ઝાડ પહેલા મૂળથી છેદાય છે

Comments Off on ઝાડ પહેલા મૂળથી છેદાય છે

ઝાડ પહેલા મૂળથી છેદાય છે
એ પછીથી બારણું થઈ જાય છે

આ ગગનચુંબી ઘરો સર્જાય છે
આભ તો પંખીનું ઓછું થાય છે

એમને તું કેમ છત્રી મોકલે?
જે અહીંયા જાણીને ભીંજાય છે

સ્વપ્ન જેવું હોય શું એ બાળને?
ડાળે જેનું ઘોડિયું બંધાય છે

આજ ઇચ્છાના હરણ હાંફો નહીં
ખૂબ પાસે જળ સમું દેખાય છે

કોઈને પથ્થર હૃદય કહેશો નહીં
આંસું પથ્થરના ઝરણ કહેવાય છે

એકલા આવ્યા જવાના એકલા
પણ અહીં ક્યાં એકલા જિવાય છે

-ગૌરાંગ ઠાકર

સ્વર : સોહિલ બ્લોચ

સ્વરાંકન : ડો ભરત પટેલ

આજ સખી એણે આંખલડી…

Comments Off on આજ સખી એણે આંખલડી…

 

 

આજ સખી એણે આંખલડીના કાજળની કરી ચોરી
જમુનાના જલ, ભરવા આજે મારગ લીધો ધોરી
મેઘ નથી નીતરતો તોય કેમ નથી રહી કોરી…

એકલડી હું ઊભી હતી ત્યાં, બોય ધરી મચકોરી
રીસ કરું ત્યાં, રોષ કરી એણે, દૂર કરી તરછોડી
પાછળ પાછળ ભાન ભૂલી હું દોડી ગઈ મન દોરી…..

ગાગર મારી બેઉ હતી એને ફોડી કરી શિરજોરી
ગોરા છો પણ શ્યામ બનાવું લાગો ન રાધા ગોરી
એમ કહી, ગભરાવી મ્હારા, કાજળની કરી ચોરી…..

આજ સખી કહું અંતરની ગત એણે કરી બરજોરી
હોઠના અમૃત પીને એણે પીધી નયન કટોરી
પીતાં પીતાં કાજળ ચોર્યા, પ્રાણ દીધા સંકોરી…

કેમ કરી કહું શામળિયાના હોઠની ઉપર થોરી
આંખની કીકી જેવી કાજળ ગાલ પરે ટપકોરી
એ જ ઘડી સખી વાયક સૂણ્યું તું અખિયન છો મોરી

-ચંદ્રવદન મહેતા

સ્વર : કાજલ કેવલરામાની અને આનતિ શાહ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

આ શ્રાવણ નીતર્યો સરવડે

Comments Off on આ શ્રાવણ નીતર્યો સરવડે

 

 

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઇ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઇ ઝીલો જી
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઇ ઝીલો જી.

આ જલધારામાં ઝૂલતી કોઇ ઝીલો જી
પેલી તૂટે મોતનમાળ હો કોઇ ઝીલો જી
આ લટ લહેરાતી લળી લળી કોઇ ઝીલો જી
પેલું કોણ હસે મરમાળ? હો કોઇ ઝીલો જી.

આ નથી ટપકતાં નેવલાં કોઇ ઝીલો જી
આ વરસે અમરત-મેહ હો કોઇ ઝીલો જી
આ સમણાં કેરા કરા પડે કોઇ ઝીલો જી
આ નરદમ વરસે નેહ હો કોઇ ઝીલો જી

આ ચળકે વાદળ-તલાવડી કોઇ ઝીલો જી
એની તડકે બાંધી પાળ હો કોઇ ઝીલો જી
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઇ ઝીલો જી
આ રાત ચલી રઢિયાળ હો કોઇ ઝીલો જી

આ દૂધે ધોયા ડુંગરા કોઇ ઝીલો જી
પેલી ઝરણાંની વણજાર હો કોઇ ઝીલો જી
આ જતિ-સતીનાં તપ રેલે કોઇ ઝીલો જી
પેલા શિવલોચન-અંબાર હો કોઇ ઝીલો જી

-બાલમુકુંદ દવે

સ્વર : કાજલ કેવલરામાની અને અમર ભટ્ટ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

અમને જળની ઝળહળ માયા

Comments Off on અમને જળની ઝળહળ માયા

અમને જળની ઝળહળ માયા
ધરતી ઉપર નદી સરોવર દળવાદળની છાયા

લીલાં લીલાં વૃક્ષ નદીમાં ન્હાય નિરાંતે
અકળવિકળનું ગીત લઈને સદીઓની સંગાથે
ચકળવકળ આ લોચન નિરખે પળપળના પડછાયા

વસંતનું આ ગીત લઈને કયો ઉમળકો છલકે?
સુખની ભીની સોડમ લઈને મન મોજીલું વલખે
અલકમલકનાં રૂપઅરૂપ કાંઈ પાંપણમાં પથરાયાં

-પન્ના નાયક

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ

@Amit Trivedi