કેટલાં હૈયા મહીં કિધો વિસામો

Comments Off on કેટલાં હૈયા મહીં કિધો વિસામો

 

 

કેટલાં    હૈયાં   મહીં   કીધો   વિસામો,  દોસ્તો !
યાત્રીએ    જોવાં   મજાનાં   તીર્થધામો,  દોસ્તો.

સંસ્મરણનાં પુષ્પો  હું  સૂંઘી  રહ્યો,  વાંચી  રહ્યો;
પાંદડીઓ  પર હતાં અગણિત   નામો,  દોસ્તો !

હોઠ પર હરદમ બિરાજો સ્મિતની થઈને  લહેર;
પાંપણે  બિંદુ  બની   ક્યારેક   ઝામો,   દોસ્તો !

મારી દુનિયામાંય  ધરતી છે, ને  અવકાશ  પણ,
પગ  મૂકો,  પ્રગતિ કરો, વિસ્તાર પામો  દોસ્તો !

પ્રેમ   જેવા  શસ્ત્રથી  ઘાયલ  થવું    સહુને  ગમે,
એ  ગમે   ત્યાં ને  ગમે  ત્યારે  ઉગામો,   દોસ્તો !

–ગની દહીંવાલા

સ્વર : બિરેન પુરોહિત
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

એકે ડાળે પાન નથી

Comments Off on એકે ડાળે પાન નથી

એકે ડાળે પાન નથી, આ કેવા દિવસો આવ્યા છે
કોઈ ગળામાં ગાન નથી, આ કેવા દિવસો આવ્યા છે

રાત-દિવસ એ માત્ર ફૂલોની લેવડદેવડ કરશે પણ
ફોરમની પહેચાન નથી, આ કેવા દિવસો આવ્યા છે

વાદળ, સરિતા, કૂવો, ખેતર ને આંખો કે વાતોમાં
જળનું અનુસંધાન નથી, આ કેવા દિવસો આવ્યા છે

કાં તો એ હથિયાર હશે અથવા એ હથિયાર હશે
ચહેરા પર મુસ્કાન નથી, આ કેવા દિવસો આવ્યા છે

ઝાંખુપાંખું બે ક્ષણ ચમકે એને દુનિયા પૂજે છે
સૂરજનું સન્માન નથી, આ કેવા દિવસો આવ્યા છે.

-ડૉ. હેમેન શાહ

સ્વર : વિરાજ અને બીજલ
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

પનઘટે છલકાતી ગાગર સાંભરે

Comments Off on પનઘટે છલકાતી ગાગર સાંભરે

પનઘટે છલકાતી ગાગર સાંભરે;
દી’ ઊગે ને રોજ સહિયર સાંભરે.

છેડલો ખેંચી શિરામણ માંગતો;
વાસીદું વાળું ને દિયર સાંભરે.

ત્રાડ સાવજની પડે ભણકારમાં;
રાતના થરથરતું પાધર સાંભરે.

ઢોલિયે ઢાળું હું મારો દેહ ને;
બાથમાં લૈ લેતી નીંદર સાંભરે.

સાંજ ટાણે સાદ ફળિયામાં પડે,
આંખડી મલક્યાનો અવસર સાંભરે.

કાંબિયું ખખડે ને હું ચોંકી ઊઠું;
ઝાંઝરો રણકે ને જંતર સાંભરે.

તાણ ભાભુજીએ કીધી’તી નકર;
કોણ બોલ્યું’તું કે મહિયર સાંભરે ?

માં ! મને ગમતું નથી આ ગામમાં
હાલ્ય, બચકું બાંધ, આયર સાંભરે!

-નયન દેસાઈ

સ્વર : હેમા દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ

નગરના દ્વાર પર…

Comments Off on નગરના દ્વાર પર…

નગરના દ્વાર પર સૂરજ હશેને સાંજ હશે
ઉતરતી રાતનું અચરજ હશે ને સાંજ હશે.

હું અનરાધાર શોધું સ્વપ્ન ને તારે નગર.
ઉભેલા મ્લાન સૌ બુરજ હશે ને સાંજ હશે

વિકલ્પો હોય વરસાદી ઉદાસ મૌસમ માં
પરિચિત ગીત ની તરજ હશે ને સાંજ હશે

ઊઘડે શબ્દમાં મારા તું સગીર મ્હેક સમી
હશે તો એટલી અરજ હશે ને સાંજ હશે.

-હરિહર જોશી

સ્વર : કૃષાનુ મજમુદાર
સ્વરાંકન : કૃષાનુ મજમુદાર

કાંચળી ઉતારીને સાપ સરી જાય

Comments Off on કાંચળી ઉતારીને સાપ સરી જાય

કાંચળી ઉતારીને સાપ સરી જાય
તેમ આપણેય સરવાનું ઘાસમાં.

એકાદી ક્ષણ સરકે ખેસવીને વર્ષોના રાફડાની ધૂળ,
ઝંખનાની પાંદડીની વચ્ચેથી ઉભરે છે,
વીતકના મોગરાનું ફૂલ,
ખોવાના રંગ જરી જાય બધા નિશ્વાસે,
આપણે સુવાસ લઇએ શ્વાસમાં.

આપણે ના આંગણાનો તુલસીનો ક્યારો કે,
આપણે ન વીંટ ઉભી અંત,
પાંદડાની લીલપને ખોઇ શકે એટલો જ
આપણો આ ઘરથી સંબંધ.
ખેરવેલા પીંછાંની ઊંડી લઇ વેદના
પંખી તો ઉડતું આકાશમાં.

-મનોજ ખંડેરિયા

સ્વર : રેખા ત્રિવેદી, સુરેશ જોશી
સ્વરાંકન : સુરેશ જોશી

Older Entries Newer Entries

@Amit Trivedi