મને થવું તરબોળ

No Comments

મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા.

ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે,
પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે,
રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,
પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,
તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

હૈયું રહેશે હાથ નહિ ને હાથ તમારે હાથે,
મળશું ભીના કૉલ આપશું વાદળ ઘેરી રાતે,
મસ્તીમાં ચકચૂર બનીશું જા, મોસમ મદમાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

– દિલીપ રાવળ

સ્વર : કૃશાનુ મજમુદાર અને દિતી મજમુદાર
સ્વરાંકન : નિનાદ મહેતા

આવી વસંતો આવશે કોને ખબર

No Comments

આવી વસંતો આવશે કોને ખબર હતી,
ફૂલો ઉદસી લાવશે કોને ખબર હતી.

વૈભવ ફૂલોનો આંખને અથડાય જે ક્ષણે,
તારો અભાવ સાલશે કોને ખબર હતી.

આંબાના પાન પાન પર રોમાંચ વેરતો,
ટહુકો હ્રદયને તાવશે કોને ખબર હતી.

આ મંજરીની ગંધનો સાગર હિલોળતો,
જ્વાળા બની જલાવશે કોને ખબર હતી

આવી વસંતો આવશે કોને ખબર હતી,
ફૂલો ઉદસી લાવશે કોને ખબર હતી.

વૈભવ ફૂલોનો આંખને અથડાય જે ક્ષણે,
તારો અભાવ સાલશે કોને ખબર હતી.

-પુરુરાજ જોશી

સ્વર:દેવેશ દવે
સ્વરાંકન : વિનોદ ભવરિયા

છે સૌની પાસે સૌની પ્યાલી

No Comments

છે સૌની પાસે સૌની પ્યાલી,
કોઈ ભરેલી સાવ છલોછલ;
કોઈની ઉણી, કોઈ છે ખાલી.

કોણ આ કંઠે પ્યાસ જગાવે,
ધબકારાનાં ઘૂંટ ભરાવે;
કેટલી ભરી કોઈ ન જાણે,
તોય લીધી છે હાથમાં ઝાલી.

ઘૂંટ ભરાતા ખીલતી કાયા,
આંખમાં રૂડા રંગની છાયા;
મનમાં જાગે માદક માયા,
લોહીમાં ફુટે પ્રીત નિરાલી.

ફૂટતી વાણી ને વહેતી વાતો,
જામતી સંગત ને જામતો નાતો;
કોઈ આવીને સાથમાં પીતું,
કોઈ મૂકીને જાય છે ચાલી.

-શ્યામલ મુનશી

સ્વર : શ્યામલ મુનશી
સ્વરાંકન : શ્યામલ મુનશી

Contact Us On WhatsApp @Amit Trivedi