કેમ સખી ચીંધવો પવનને

Comments Off on કેમ સખી ચીંધવો પવનને

કેમ સખી ! ચીંધવો પવનને ? રે, હું તો ખાલી શકુંતલાની આંગળી.

ઝંઝાના સુસવાટા પાંખમાં ભરીને ઊડું, આખું ગગન મારી ઇચ્છા.
વહેલી પરોઢના ઝાંખા ઉઘાડમાં, ખરતાં પરભાતિયાનાં પીંછાં.
ઉરમાં તે માય નહિ ઊડતો ઉમંગ મને, આવીને કોઈ ગયું સાંભળી.
ખાલી શકુંતલાની આંગળી.

ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઈ એવું તો મન ભરી ગાતો.
જંગલમાં ધોધમાર વરસે ગુલમોર ! ક્યાંક કાગડો ન થઈ જાય રાતો !!
આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી, સૂર થઈ ઊડી જાય વાંસળી.
ખાલી શકુંતલાની આંગળી.

-અનીલ જોશી

સ્વર : કલ્યાણી કોઠાલકાર
સ્વરાંકન : રુદરદત્ત ભટ્ટ
સંગીત : નીરવ – જ્વલંત

સૌજન્ય : સંજયભાઈ રાઠોડ, સુરત

વાત માંડી છે હજુ

Comments Off on વાત માંડી છે હજુ

 

 

વાત માંડી છે હજુ, અંજામ લઈને આવ મા,
જીતવા તો દે મને, ઈનામ લઈને આવ મા;

ક્યાંય સુકાયા નથી કોઈ આંખના દરિયા હજુ,
હોઠ પર “શ્રી રામ” કે “ઈસ્લામ” લઈને આવ મા;

આ નગરની હર ગલી શોખીન સન્નાટાની છે,
શબ્દને તું આમ ખુલ્લેઆમ લઈને આવ મા;

જીન્દગી આખી વીતાવી ભૂલવામાં જેમને,
એમની તસ્વીર, એનું નામ લઈને આવ મા;

હું હળાહળ ઝેરને પીવા મથું છું ક્યારનો,
દોસ્ત, અત્યારે છલકતો જામ લઈને આવ મા.

– પ્રા. હિમલ પંડ્યા “પાર્થ”

 

સ્વર : ડો. ભાવના મહેતા
સ્વરાંકન : પ્રણવ મહેતા
સંગીત સંચાલન : નીરવ પંડ્યા તથા જ્વલંત ભટ્ટ

 

@Amit Trivedi