બીજા વનવગડાના વા..

No Comments

શરણ વેઠીને , મરણ સુધીનું જેણે જીવતર દીધું આ,
અને કદીયે મુખથી ના ના નીકળી સદાયે હાં ની હાં,
આવ કહ્યું નહિં કોઈ કહેનારું, વહાલા વેરી સૌ કહે જા,
ત્યારે થાક્યા નો વિસામો, તું ક્યાં છે મારી માં…..ઓ મા……..

બીજા વનવગડા ના વા , તુ ક્યાં છે મારી મા,
ઓ ચાંદા મામા, તારી બહેની ને મારી જનની ના ,
ક્યાં છે વિસામા…… તુ ક્યાં છે મારી મા………

આ વિશાળ છે આકાશ, અને વસુંધરા ઘણી મોટી,
સ્થળ સ્થળ, જળ જળ, કણકણ માં, મારી આખ્યું માને જોતી,
બાળપણે પીવડાવ્યો એવો, એક પ્યાલો પાણી પા….તુ ક્યાં છે મારી મા………

જનમ્યા તે સર્જાયા મરવા, માત તાત ને ભ્રાત,
પણ મારી જેમ દુખીયારી ની, કદી મરશો ના કોઈ ની મા,
ફરી ઝુલાવી, હા લુ લુ હા….ઓ મારા લાલ,
ફરી ઝુલાવી ઘોડીયે એક હાલરડું તો ગા……

બીજા વનવગડા ના વા , તુ ક્યાં છે મારી મા,
ઓ ચાંદા મામા, તારી બહેની ને મારી જનની ના ,
ક્યાં છે વિસામા…… તુ ક્યાં છે મારી મા………

-અવિનાશ વ્યાસ

સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : અવિનાશ વ્યાસ

પરથમ પ્રણામ મારા માતાજી ને કહેજો

No Comments

પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે
માન્યું જેણે માટીને રતંનજી;
ભૂખ્યાં રહૈ જમાડ્યા અમને, જાગી ઊંઘાડ્યા, એવાં
કાયાનાં કીધલાં જતનજી.

બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે
ઘરથી બતાવી જેણે શેરીજી;
બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે,
ડુંગરે દેખાડી ઊંચે દેરીજી.

ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે
જડ્યા કે ન જડિયા તોયે સાચાજી;
એકનેય કહેજો એવા સૌનેય કહેજો, જે જે
અગમનિગમની બોલ્યા વાચાજી.

ચોથા પરણામ મારા, ભેરુઓને કહેજો રે
જેની સાથે ખેલ્યા જગમાં ખેલજી;
ખાલીમાં રંગ પૂર્યા, જગમાં સાથ પૂર્યા;
હસાવી ધોવરાવ્યા અમારા મેલજી.

પાંચમા પરણામ મારા, વેરીડાને કહેજો રે
પાટૂએ ઉઘાડ્યાં અંતર દ્વારજી;
અજાણ્યા દેખાડ્યા અમને ઘેરા ઉલેચાવ્યા જેણે
ઊંડા ઊંડા આતમના અંધારજી.

છઠ્ઠા પરણામ મારા જીવનસાથીને કહેજો
સંસારતાપે દીધી છાંયજી;
પરણામ વધારે પડે, પરણામ ઓછાયે પડે,
આતમની કહેજો એક સાંઈજી.

સાતમા પરણામ, ઓલ્યા મહાત્માને કહેજો રે
ઢોરનાં કીધાં જેણે મનેખજી;
હરવા ફરવાના જેણે મારગ ઉઘાડ્યા રૂડા
હારોહાર મારી ઊંડી મેખજી.

છેલ્લા પરણામ અમારા, જગતને કહેજો જેણે
લીધા વિના આલિયું સરવસ્સજી;
આલ્યું ને આલશે, ને પાળ્યાં ને પાળશે, જ્યારે
ફરી અહીં ઊતરશે અમારો હંસજી.

-રામનારાયણ વિ.પાઠક ‘શેષ’

સ્વર : હેમા દેસાઈ, આશિત દેસાઈ અને આલાપ દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ

લ્યો રવાના થયો…

No Comments

લ્યો, રવાના થયો
દૂરની સફર પર શ્વાસનો કાફલો.

સ્નેહીઓનાં નયન સ્હેજ ઝાકળભીનાં
સમયના સૂર્યના તાપથી સૂકશે;
હેજ થંભી, સમાચાર પૂછી લઈ
રાહદારી રવાના થશે;
અગ્નિના વાહને દેહ સોંપી દઈ
સૌ સગાં પણ જશે;
માર્ગ મુશ્કેલ આરંભ પામે ત્યહીં
એ મુસાફર હશે એકલો.

લ્યો, રવાના થયો
દૂરની સફર પર શ્વાસનો કાફલો.

-હરીન્દ્ર દવે

સ્વર : સોલી કાપડીયા
સ્વરાંકન : સોલી કાપડીયા

Contact Us On WhatsApp @Amit Trivedi