હવે સખી નહીં બોલું

No Comments

   હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે
   હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે

   કદાપિ નંદકુંવરની સંગે
   કદાપિ નંદકુંવરની સંગે
   હો મુને શશીવદની કહી છેડે
   હો મુને શશીવદની કહી છેડે
   ત્યારની દાઝ લાગી છે રે મારે હૈયે

   હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે
   હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે

   ચંદ્રબીંબમાં લાંછન છે વળી
   રાહુ ગળે ખટ્ માસે રે
   પક્ષે વધે ને પક્ષે ઘટે કળા
   પક્ષે વધે ને પક્ષે ઘટે કળા
   નિત્ય ન પૂર્ણ પ્રકાશે રે

   હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે
   હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે

   દયાના પ્રીતમને કહે સખી
   જ્યું શશીમુખ સરખું સુખ પાશે
   દયાના પ્રીતમને કહે સખી
   જ્યું શશીમુખ સરખું સુખ પાશે
   કોટિ પ્રકારે હું નહિ આવું 
   કોટિ પ્રકારે હું નહિ આવું
   એવા પુરુષથી અડાશે રે

   હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે
   હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે
   નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે

   - ભક્તકવિ દયારામ

સ્વરઃ લતા મંગેશકર
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

ઘરમાં રહું ને તોય

No Comments

ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?

કાજળ કાઢીને મારી ભૂરીછમ આંખનું
મેઘને તે કેમ કરી આંજવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?

હીંચકાની સાંકળમાં નેવાં છલે ને
મોર તોરણ આ ટહુકે આકાશને
ઝાંઝરની ઘુંઘરીમાં લાવી મઢાવું કેમ
કોરા આ તોરલ બોલાશને?
સૂનાં તે ઓરડામાં કેમ કરી
મેઘધનુ કેરો ગુલમહોર નીત વાવવો?

ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?

ખેતર જવાને પંથ અધવચ્ચે આવીને
છોગાળો એવો મુને આંતરે
કાંડું વછોડી કહું ઊભે મારગ નહિ
ઘરમાં આવીને ગીત છેડજે!

કેવડો તો મ્હેકે મારી કાયા અબોટી
એમાં માટીનો તોર ક્યાંથી લાવવો?

ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?

-ભગવતીકુમાર શર્મા

સ્વરઃ વિભા દેસાઈ
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ

મોર હવે ડગલું નહીં માંડે

No Comments

મોર હવે ડગલું નહીં માંડે ગોકુળમાં
ગોધણને વળવાની વેળ થશે,
વનરાવન ઢંકાતું દેખાશે ધૂળમાં…

મારગ આપીને વહેણ ઊભાં’તાં એમ
હજી ઊભું છે કોક આરપાર,
કાંઠાની વાત હવે કાંઠા ઓળંગીને
રઝળે છે પાંપણની બહાર…

પડછાયા જેમ શાપ પામીને તરવાના
ડૂબી રહ્યું છે વૃક્ષ મૂળમાં !
મોર હવે ડગલું નહીં માંડે ગોકુળમાં…

તોરણમાં મોરપિચ્છ મૂકીને, નજરાતી
રોકી રહ્યું છે કોક રાહને,
બળબળતી રેણુ પર ચાલી ચાલીને કોક
ઠારી રહ્યું છે એના દાહને !

પીંછું પરોવ્યું પછી ટહુકા પરોવ્યા –
પછી હૈયું પરોવ્યું એના શૂળમાં
મોર હવે ડગલું નહીં માંડે ગોકુળમાં….

ગોધણને વળવાની વેળ થશે,
વનરાવન ઢંકાતું દેખાશે ધૂળમાં…

-માધવ રામાનુજ

સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

Contact Us On WhatsApp @Amit Trivedi