ઊડ ઊડ કરતું એક બીજું નિરાંત કરે છે

No Comments

ઊડ ઊડ કરતું એક બીજું નિરાંત કરે છે
અંદરના પંખીની સંતો વાત કરે છે

એક પલકમાં તરણા માફક તૂટી જાશે
ઈચ્છા વચ્ચે ઊભો જે ઠકરાત કરે છે

અક્ષરનો મહિમા તો બંધુ ઓહો ઓહો
ક્ષણમાં નશ્વર હોવાને રળિયાત કરે છે

ભીતરના અજવાસની ભોગળ વાસી દઈને
સાવ અમસ્તો સૂરજની પંચાત કરે છે

આ માટી ની મેહફીલમાં મહેમાન હતો હું
સાધુ કેવી દરવેશી રજૂઆત કરે છે

-શ્યામ સાધુ

સ્વર : નિગમ ઉપાધ્યાય
સ્વરાંકન : ડો ભરત પટેલ

પછી એક ભાષા ગયેલી પ્રવાસે

No Comments

પછી એક ભાષા ગયેલી પ્રવાસે
પછી શબ્દ પેલો કવિ થઈ ગયેલો

પછી શેરીઓ પર ઝૂકયા ગુલમહોરો
પછી જૂઈને હું ય મળવા ગયેલો

પછી ક્યાંક તસતસતાં પ્યાલાં રડેલાં
પછી ક્યાંક દરિયોય સૂનો થયેલો

પછી લીલું લીલુંય ભગવો થયેલું
પછી સ્પર્શવામાય સોપો પડેલો

પછી ત્યાં જ ભાષા એ ખાધું લથડિયું
પછી શબ્દ પેલો જ લિસ્સો થયેલો

-શ્યામ સાધુ

સ્વર : ડો ભરત પટેલ
સ્વરાંકન : ડો ભરત પટેલ

આજ વરસ્યો વરસાદ ઉપરવાસમાં

No Comments

આજ વરસ્યો વરસાદ ઉપરવાસમાં
કે ચાલ હવે ચાલી નીકળી એ પ્રવાસમાં

માટીની ગંધ મીઠી મારગ બતાવશે
ને વાયરા સંગાથે થશે વાતો
લીલાછમ ઘાસ પરે હળવેથી દોડીએ
ને સાંભળીએ ભમરા ને ગાતો
ફુલ ફોરી રહ્યા છે ઉજાસમાં

ઓરપ ફુલાય અને વહાલપ છલકાય
એવું મોસમનું ભીનુંછમ કહેણ
વૃક્ષોની ડાળી ને પાંદડે થી વહી ચાલ્યા
લીલાછમ વરસાદી વહેણ
રૂપ અષાઢી ઉઘડે ઉજાસમાં

ઉપરવાસેથી વહેણ આવવાની વાતમાં
બેસી રહેવાય નહિ ઠાલા
હૈયાના હેત થકી સામૈયા કરવાને
આપણે વહી જઇએ સામા
ઉર છલકી રહ્યા છે ઉલ્લાસમાં

કે ચાલ હવે ચાલી નીકળે પ્રવાસમાં
આજ વરસ્યો વરસાદ ઉપરવાસમાં

-તુષાર શુક્લ

સ્વર : નયન પંચોલી
સ્વરાંકન : નયન પંચોલી

Contact Us On WhatsApp @Amit Trivedi