ના તને ખબર પડી

Comments Off on ના તને ખબર પડી

ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;
કારણમાં આમ કંઈ નહીં બે આંખ બસ લડી,
ને તું પ્રેમમાં પડ્યો ને હું પ્રેમમાં પડી.

બંનેના દિલ ઘડકતાં હતાં જે જુદાં જુદાં,
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી;
શરમાઈ જતી તોય મને જાણ તો થતી;
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.
હૈયુંના રહ્યું ન હાથ, ગયું ઢાળમાં દડી;
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયું જડી.

ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં,
બેસી શકે તો બેસ અડોઅડ અડી અડી;
મારા વિના ઉદાસ છું એ જાણું છું પ્રિયે
મેં પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
મેં સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને;
તું આવ્યો જ્યાં નજીકને ત્યાં ઉકલી ગઈ ગડી.

-તુષાર શુક્લ

સ્વર : સાધના સરગમ અને રૂપકુમાર રાઠોડ
સ્વરાંકન : શ્યામલ સૌમીલ મુનશી

હાં રે હરિ વસે

Comments Off on હાં રે હરિ વસે

હાં રે હરિ વસે

હાં રે હરિ વસે હરિના જનમાં
હાં રે તમે શું કરશો જઈ વનમાં

ભેખ ધરીને તમે શીદ ભટકો છો?
પ્રભુ નથી વન કે અરણ્યમાં

તમે કાશી જાઓ ગંગાજી નાઓ
પ્રભુ નથી પાણી કે પવનમાં

જોગ કરો ને ભલે જગન કરાવો
પ્રભુ નથી હોમ હવનમાં

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર
હરિ વસે છે હરિજનમાં

-મીરાંબાઈ

સ્વર : સચિન લિમીયે
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

યુગ યુગથી તું ધીરજ ધરીને

Comments Off on યુગ યુગથી તું ધીરજ ધરીને

યુગ યુગથી તું ધીરજ ધરીને , બેઠી કેમ અબોલ રેતી બેઠી કેમ અબોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ ……..

કણ કણમાં ઈતિહાસ ભર્યો તુજ, યુગ યુગથી સૌ જોતી
ગગને જયારે કોઈ ન ઊડતું , ત્યારે ઊડી તું રેતી …..
અખૂટ આ ભંડાર છે તારો , કિમત કશું નાં લેતી
કહેતા આ સૌ સસ્તી રેતી, મુજ મન તું અણમોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ ……

જીવન તણી આ કાચ શીશીમાં , સમયની સરતી રેતી
અંતરમાં સમાવી દીધાં અગણિત છીપલાં મોતી
ખારા નીરમાં પ્રેમે તરતાં શીરે ભરતાં સૌ રેતી
ગોદમાં તુજ આ માનવ રમતાં આનંદે કિલ્લોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ …..

કાચ બની તું કંગન થઇ કોઈ ગોરી હાથે ઝૂલતી
સૈનિક આગળ રણ મેદાને બંદૂક ગોળી ઝીલતી
રાજમહેલ કે રંક તણા ઘર પાયા ભીંતો ચણતી
પાળની પાછળ રહીને મારી વહેતા પુરને ધોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ

વણઝારાની સાથી બનીને ભોમ ભોમમાં ભમતી
સિલીકન ચીપ બનીને આજે અવકાશે તું ઊડતી
ઝાંઝવાના નીર થઈને રણ વંટોળે ચડતી
તેલ ફુવારા રણમાં ફૂટતાં , અજબ છે એના મોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ …

– ડૉ. દિનેશ ઓ શાહ (ગેઇન્સવિલ, ફ્લોરીડા, યુ એસ એ)

સ્વરઃ હેમા દેસાઇ
સ્વરાંકન : આશિત દેસાઈ

@Amit Trivedi