આખા નગરની જલતી દીવાલોને

No Comments

આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.

ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.

વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે,
બહેરો બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે.

એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે,
ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે.

સાચું કહું તો તારી લપસણી લટો સિવાય,
વહેતા પવનને ક્યાંય ઉતારો નહીં મળે.

બીજાઓ વાંચે તો ય અદેખાઇ આવશે,
ચીતરું નહીં હું નામ તારું કોઇ પણ સ્થળે.

– મુકુલ ચોકસી

સ્વર : રાસબિહારી દેસાઈ
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ

અમર તું રાખજે માં

No Comments

અમર તું રાખજે માં, માં મારો ચૂડી ને ચાંદલો
બીજું કઈ જોઈએ ના, માં મારો ચૂડી ને ચાંદલો
અમર તું રાખજે માં, માં મારો ચૂડી ને ચાંદલો

સુંદર મજાની લાલ પહેરીને ચુંદડી ,
પૂજન સાહિત્ય લઈ ઉભી બારેખડી
અભિલાષ પુરજો માં માં મારો ચૂડી ને ચાંદલો
અમર તું રાખજે માં, માં મારો ચૂડી ને ચાંદલો

ચૂડલો પહેર્યો છે માં સુંદર મુજ કાન્ત નો
હેમ થી મઢેલો છે હાથી તણા દાંત નો
અવિચળ રાખજો માં મારો ચૂડી ને ચાંદલો
અમર તું રાખજે માં, માં મારો ચૂડી ને ચાંદલો

ચાંદલો કર્યો છે માં લાલ કુમકુમનો
સેંથો પૂર્યો છે માં અદભુત રંગ નો
અખંડ રાખજે માં, માં મારો ચૂડી ને ચાંદલો
અમર તું રાખજે માં, માં મારો ચૂડી ને ચાંદલો

અખંડ સૌભાગ્ય મારું માત સદા રાખજો
પાપ કષ્ટ રોગ દુખ ભષ્મ કરી નાખજો
આટલું તો આપજો માં, માં મારો ચૂડીને ચાંદલો
અમર તું રાખજે માં મારો ચૂડી ને ચાંદલો

સ્વર : ફોરમ મહેતા
સ્વરાંકન : અપ્પુ

પ્રથમ પ્રભુજી સાથે પ્રીત

No Comments

પ્રથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી,
એને મૂઆ ટાણે સંત બનાવો રે;
તુલસી મંગાવો અને તિલક કરાવો,
મુખે રામનામ લેવરાવો રે… ટેક

દવ લાગ્યા રે પછી કૂપ ખોદાવો,
ઈ કઈ પેરે અગ્નિ ઓલાશે રે;
ધન હતું તે ચોર જ લઈ ગયા,
પછી દીવો કરે શું થાશે રે

માત પિતા સુત ભાઈ ને ભગિની,
ઈ સબ ઠગનકી ટોળી રે;
પ્રીત લગાડી તારું સર્વ લૂંટી લેશે,
પછી રહેશે આંખ્યો ચોળી રે

તળાવ ફાટ્યા પછી પાળ બંધાવો,
ઈ કઈ પેરે નીર ઠેરાશે રે;
કહે પ્રીતમ પ્રીતે હરિ ભજન વિના,
અવસર એળે જાશે રે

  • પ્રીતમ

સ્વર : રાસબિહારી દેસાઈ
સ્વરાંકન :રાસબિહારી દેસાઈ

ઓચિંતું કોઈ મને

No Comments

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખીસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,
તાળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે…

આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઊપર આકાશ એમનેમ છે…

-ધ્રુવ ભટ્ટ

સ્વર : અનંત વ્યાસ
સ્વરાંકન :અનંત વ્યાસ

Contact Us On WhatsApp @Amit Trivedi