સાત રંગના સરનામે ના તું આવી ના હું આવું

Comments Off on સાત રંગના સરનામે ના તું આવી ના હું આવું

સાત રંગના સરનામે ના તું આવી, ના હું આવ્યો
ના ઘર ઊઘડ્યાં સામે સામે, ના તું આવી, ના હું આવ્યો.

તું કેશ સૂકવતી રહી તડકે, હું ડૂબતો ચાલ્યો પુસ્તકમાં,
બહુ વ્યસ્ત રહ્યાં અંગત કામે, ના તું આવી, ના હું આવ્યો.

કેવા દુખિયારા ગર્વ વડે, ખરબચડી ઉંમર પંપાળી ?
શું કામ હતું બીજું આમે ? ના તું આવી, નાહું આવ્યો.

ના સાંજની બેઠી સોગઠીઓ, ના કોડી ઊછળી સપનાંની,
ચોપાટ રમ્યાં ડામે ડામે, ના તું આવી, ના હું આવ્યો.

એક વાતનું પુંકેસર તૂટ્યું, એક ડાળ તૂટી ગઈ શબ્દોની એક
મજિયારા મનના નામે, ના તું આવી, ના હું આવ્યો.

– રમેશ પારેખ

સ્વર :પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : હરિશ્ચંદ્ર જોશી

અમે રે સૂકું રૂનું પૂમડું

Comments Off on અમે રે સૂકું રૂનું પૂમડું

અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી ધોને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર;
આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ- આગળા,
ભરો લખ લખ અદીઠા, અંબાર;
આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે ઊધઈ – ખાધું ઇંધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડે પડ પ્રજાળો વ્હાલા, વેગથી,
આપો અમને અગનના શણગાર;
આવો, રે આવો હો જીવણ, આમના.


-મકરંદ દવે

સ્વર : હ્રદય મર્ચન્ટ
સ્વરાંકન : અજિત શેઠ

@Amit Trivedi