સાંજ ઢળેને સૂના મનને

No Comments

સાંજ ઢળે ને સૂના મનને યાદ આવતું ઘર
બારણે ચિતર્યાં શુભલાભ શી આંખો બે સુંદર

સાંજ ઢળે ને પાછા વળતાં પંખી એને માળે
માળો ના ગુથ્યો એવા બેઠા એકલ ડાળે
હું ય અહીં બેઠો છું એકલો આવી સાગર પાળે
ખડક ભીંજવે મોજા જાણે વ્હાલ ભર્યું પંપાળે
વગર અષાઢે આંખથી વરસે આંસુ આ ઝરમર

સૂરજ જેવો સૂરજ કેવો ક્ષિતિજે જઈ સમાતો
મા ના પાલવ પાછળ જાણે બાળક કોઈ લપાતો
વાતો કરતાં થાકતો નહીં એ પણ મૂંગો થઇ જાતો
યાદ બનીને કોઈ મીઠી વાયુ ધીમે વાતો
વૃક્ષ તણા પર્ણો ની કેવળ સંભળાતી મર્મર

કેમ થતું નહીં મનને આવું ઉગતી મધુર સવારે
બપોરની વેળાએ પણ ના થાતી પાપણ ભારે
સપના શોધતી આંખો થાકે રાત તણે અંધારે
કેમ થતું મન ઉદાસ આવું સંધ્યા ઢળતી જ્યારે
આમ નિરુત્તર મન જાણે છે “ઘર એનો ઉત્તર”

-તુષાર શુક્લ

સ્વરઃ નિગમ ઉપાધ્યાય
સ્વરાંકન : ડો ભરત પટેલ

હોઈએ આપણ જેવા

No Comments

હોઇએ આપણ જેવા એવા દેખાવાની મોસમ આવી,
અંદર બહાર થઈને લથબથ લહેરાવાની મોસમ આવી.

ઘડીક વાદળ, ઘડીક તડકો, ઘડીક વર્ષા, ઘડીક ભડકો,
એક-મેકમાં ખોવાવાની, જડી જવાની મોસમ આવી.

એકબીજાને દૂર દૂરથી જોયા કરતાં આમ ભલેને,
આજ અડોઅડ એક-મેકને અડી જવાની મોસમ આવી.

રેશમ રેશમ રૂપને પાછું ભીનું થઈને બહેકે અડકો,
આજ પારદર્શક સુંદરતા નડી જવાની મોસમ આવી.

વીતેલાં વર્ષોને ભુલી ચાલ ફરીથી પલળી જઇએ,
ફરી ફરીને, ફરી પ્રેમમાં પડી જવાની મોસમ આવી.

-તુષાર શુક્લ

સ્વર : દિપ્તી દેસાઇ
સ્વરાંકન :ગૌરાંગ વ્યાસ

એક સાબરકાંઠાનો શાહુકાર

No Comments

એક સાબરકાંઠાનો શાહુકાર, એના દલડા માથે દેવું
કે વેણુ વરીયાળી
એક ગોંડલ ગામની ગોરી, એનું ચીતડું લેવું ચોરી
કે વેણુ વરીયાળી

ઘરફોડીનો ગણેશિયો આ તો દલ ચોર્યાની વાત
દનદાડાનું કોમ નૈ રે એણે માથે લીધી રાત
કે વેણુ વરિયાળી

માઝમ કોતર મેલીયાં કે લો આયો ગમતો ઘેર
ગોમના લોક તો જોઈ રિયાં એ તો કરતો લીલાલ્હેર
કે વેણુ વરિયાળી

  • તુષાર શુક્લ

સ્વર :નિશા કાપડિયા અને નિગમ ઉપાધ્યાય
સ્વરાંકન :નયનેશ જાની

સાવ અચાનક મુશળધાર

No Comments

સાવ અચાનક મુશળધારે, ધોધમાર ને નવ લખધારે,
આ વાદળ વરસે છે કે તું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

ગેબને આરે આભ ઓવારે શ્યામલ શ્યામલ મેઘ ઘેરાયા
કુંતલ કંઠે આવકારના પ્રિતગીત નભમાં લહેરાયા
ઉત્કટ મિલનની પ્યાસ લઇને, આલીંગન અણમોલ દઇને
આ મનભર મેઘ મળે કે તું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

દાવા છોડી લ્હાવા લઇએ, ભીંજાઇને ભંજાવા દઇએ
આજ કશું ના કોઇને કહીએ, મોસમ છે તો વરસી રહીએ
તરસ તણા ચલ ગીત ભૂલીને, વરસ હવે તું સાવ ખુલીને
હવે કોઇ પાગલ કહે તો શું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

-તુષાર શુક્લ

સ્વર : સોલી કાપડિયા
સ્વરાંકન :સોલી કાપડિયા

સખી ગમતો ગુલાલ

No Comments

સખી ગમતો ગુલાલ આજ સામો મળ્યો
ને મારે હૈયે રચાઇ રંગોળી
મારગમાં રંગ રંગ ટહૂકા ખર્યા
ને મેં તો જાણ્યું કે આવી ગઈ હોળી

કેસૂડો ફટાયો ફાગણ આયો, લાયો હોલી રિ
રંગ ભરી ચૂનરી ઉમંગ ભરી ચોલી રિ…

સખી,મનનો માનેલ છેલ છલકે ગુલાલ
મને વ્હાલાએ રંગમાં ઝબોળી
વાસંતી વાયરાએ માંડ્યું તોફાન
અને ફૂલોની રંગ પ્યાલી ઢોળી

અંગમાં અનંગ રંગ રાગ ગાયે હોલી રિ
રંગ ભરે અંગ રે ઉમંગભરી હોલી રિ

સખી, કૂણેરા કાળજામાં કંકૂ ઢોળાણા ને
કલરવની કૂંપળો કોળી
ઉમટે છે ઓઢણીમાં ઘેન ભરી ડમરી ને
આંખો આ કેસૂડે ઘોળી

ચંગ ને મૃદંગ બજે રંગ રસ હોલી રિ
અંગમાં ઉમંગ ભરે રંગ રસ હોલી રિ

-તુષાર શુક્લ

સ્વરઃ ગાર્ગી વોરા
સ્વરાંકન : ડો ભરત પટેલ

Contact Us On WhatsApp @Amit Trivedi