સખી ગમતો ગુલાલ

Comments Off on સખી ગમતો ગુલાલ

સખી ગમતો ગુલાલ આજ સામો મળ્યો
ને મારે હૈયે રચાઇ રંગોળી
મારગમાં રંગ રંગ ટહૂકા ખર્યા
ને મેં તો જાણ્યું કે આવી ગઈ હોળી

કેસૂડો ફટાયો ફાગણ આયો, લાયો હોલી રિ
રંગ ભરી ચૂનરી ઉમંગ ભરી ચોલી રિ…

સખી,મનનો માનેલ છેલ છલકે ગુલાલ
મને વ્હાલાએ રંગમાં ઝબોળી
વાસંતી વાયરાએ માંડ્યું તોફાન
અને ફૂલોની રંગ પ્યાલી ઢોળી

અંગમાં અનંગ રંગ રાગ ગાયે હોલી રિ
રંગ ભરે અંગ રે ઉમંગભરી હોલી રિ

સખી, કૂણેરા કાળજામાં કંકૂ ઢોળાણા ને
કલરવની કૂંપળો કોળી
ઉમટે છે ઓઢણીમાં ઘેન ભરી ડમરી ને
આંખો આ કેસૂડે ઘોળી

ચંગ ને મૃદંગ બજે રંગ રસ હોલી રિ
અંગમાં ઉમંગ ભરે રંગ રસ હોલી રિ

-તુષાર શુક્લ

સ્વરઃ ગાર્ગી વોરા
સ્વરાંકન : ડો ભરત પટેલ

મોરપિચ્છની રજાઈ ઓઢી

Comments Off on મોરપિચ્છની રજાઈ ઓઢી

મોરપિચ્છની રજાઈ ઓઢી
તમે સૂઓને શ્યામ
અમને થાય પછી આરામ….

મુરલીના સૂરનાં ઓશીકાં
રાખો અડખે-પડખે
તમે નીંદમાં કેવા લાગો
જોવા ને જીવ વલખે
રાત પછી તો રાતરાણી થઇ
મ્હેકી ઊઠે આમ….

અમે તમારા સપનામાં તો
નક્કી જ આવી ચડાશું
આંખ ખોલીને જોશો ત્યારે
અમે જ નજરે પડશું
નિદ્રા-તંદ્રા-જાગૃતિમાં
ઝળહળભર્યો દમામ….

– સુરેશ દલાલ

સ્વર : આશિત દેસાઈ
સ્વરાંકનઃ આશિત દેસાઈ

અરે, મારા આ હાથ જડભરત

Comments Off on અરે, મારા આ હાથ જડભરત

અરે, મારા આ હાથ છે જડભરત ને ઉપર આંગળીઓ અભણ, એકબે
હું જીવતા મનુષ્યો ગણું તો આ આખ્ખા નગરમાં મળે માંડ જણ એકબે

ઉઝરડા અને લોહીલુહાણ આખ્ખાય જીવતરનાં કારણ છે શું ?
મેં ફૂટપાથ પર એક જોશીને પૂછ્યું તો એણે કહ્યું કે : ‘સ્મરણ એકબે’

પરબ કઈ તરફ છે, પરબ કઈ તરફ છે ? તરસથી હવે લોહી ફાટી પડે
નજરમાંથી રણ સ્હેજે ખસતું નથી ને આ હાથોમાં છે ફક્ત ક્ષણ એકબે

ભટકતાં ભટકતાં, બટકતાં બટકતાં, પહોંચ્યોં હું મારા અનાગત સુધી
અપેક્ષાઓ રાખી તી ધોધની ત્યાં મળ્યાં માંડ સુક્કા ઝરણ એકબે

‘છે અહીં લીલું જંગલ ને ઝરણાં ને પંખી ને કલરવમાં પલળી ગયેલો રમેશ :’
ભીંતે આમ પંક્તિ લખીને હજુયે હું જોઉં ( છબીમાં) હરણ એકબે

મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ
મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે

– રમેશ પારેખ

સ્વર : આશિત દેસાઈ અને હેમા દેસાઇ
સ્વરાંકન : આશિત દેસાઈ

જગતમાં કોણ ભલા ખુશ નસીબ

Comments Off on જગતમાં કોણ ભલા ખુશ નસીબ

જગતમાં કોણ ભલા ખુશનસીબ આપ કહો
ઘડ્યું છે રૂપ ખુદાએ માહતાબ કહો

હજાર લાખ સિતારાને ખરલમાં ઘૂંટી
દીધું છે તેજ લલાટે પછી ધીરજ ખૂટી
સદા બહાર સુમનની મધુર મહેક લૂંટી
ઘડ્યું છે મસ્ત ફૂલ બહાર રૂપ ખ્વાબ કહો

વિરાટ સ્વપ્ન વસંતો ના તમોને દીઘા
સૂરાના નામે અમે પ્રેમ ધૂંટને પીધા
તમારા એજ દિવસથી થવાના સમ લીધા
મળ્યું છે તમને જીવન ખીલતું ગુલાબ કહો

હતો હું છિન્નભિન્ન આપને મળ્યા પહેલા
મને દર્શન થયા છે ક્યાંય પણ ઢળ્યા પહેલા
બુલંદ મારો સિતારો જુઓ ખર્યા પહેલા
મળ્યું જીવન લો હવે પ્રેમંની કિતાબ કહો

-સુરેન ઠાકર ‘મેહુલ’

સ્વરઃ આશિત દેસાઈ
સ્વરાંકનઃ તલત અઝીઝ

સાત રંગના સરનામે ના તું આવી ના હું આવું

Comments Off on સાત રંગના સરનામે ના તું આવી ના હું આવું

સાત રંગના સરનામે ના તું આવી, ના હું આવ્યો
ના ઘર ઊઘડ્યાં સામે સામે, ના તું આવી, ના હું આવ્યો.

તું કેશ સૂકવતી રહી તડકે, હું ડૂબતો ચાલ્યો પુસ્તકમાં,
બહુ વ્યસ્ત રહ્યાં અંગત કામે, ના તું આવી, ના હું આવ્યો.

કેવા દુખિયારા ગર્વ વડે, ખરબચડી ઉંમર પંપાળી ?
શું કામ હતું બીજું આમે ? ના તું આવી, નાહું આવ્યો.

ના સાંજની બેઠી સોગઠીઓ, ના કોડી ઊછળી સપનાંની,
ચોપાટ રમ્યાં ડામે ડામે, ના તું આવી, ના હું આવ્યો.

એક વાતનું પુંકેસર તૂટ્યું, એક ડાળ તૂટી ગઈ શબ્દોની એક
મજિયારા મનના નામે, ના તું આવી, ના હું આવ્યો.

– રમેશ પારેખ

સ્વર :પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : હરિશ્ચંદ્ર જોશી

Older Entries Newer Entries

@Amit Trivedi