કોરી હથેળીઓમાં

Comments Off on કોરી હથેળીઓમાં

 


 

કોરી હથેળીઓમાં મ્હેંદીની ભાત
આજ રૂડી રઢિયાળી આવી રાત રે
ઝરે આભથી ચાંદની ચંદન રે
મને મહિયર રોકાવાનું મનરે…

આજકાલ કરતામાં આવી ગયો છે
આજ, લગ્ન નો દા‘ડો સાવ, ઢૂંકડો
જોતા જોતામાં તો દિવસો વીત્યા
કે જાણે, ઓગળતો સાકરનો ટૂકડો
મારી ઓઢણીમાં ઘેર્યું ગગન રે
મને મહિયર રોકાવાનું મન રે…..

ઓચિંતું આજ મારાં પગલાંને થાય
લઉં દાદાનાં આંગણામાં દોડી
કહી ના શકાય તોય મનમાંહે થાય
થાય લગનની તારીખન મોડી?
રાહ જોય કરે છો સાજનરે
મને મહિયર રોકાવાનું મન રે…..

ગોર્યમાને પૂજ્યા મેં પાંચે આંગળીએ
ત્યારે પામી છું સાજન
રૂદિયાનો રાજા તું, રૂદિયાની રાણી હું
સાથે માણીશું જીવન,
જાઉં સાસરિયે સંગે સાજનરે
ભલે મહિયર રહેવાનું થાય મન રે…..

-તુષાર શુક્લ

સ્વર : ડો સાવની શાહ
સ્વરાંકનઃ માલવ દિવેટિયા
સૌજન્ય :માલવ દિવેટિયા

સામળિયો મુંજો સગો

Comments Off on સામળિયો મુંજો સગો

સામળિયો મુંજો સગો, પાતળિયો મુંજો પ્રાણ
નંદના લાલન સે
નીદરડી મેં નેડો લગો

હું રે જાતી’તી ગાંધી કેરે હાટડે, વા’લા
મહેકે ગાંધી કેરે હટમેં લાલન સગો –
સામળા સારુ ધ્રોડી ધ્રોડી થકી, વાલા
મુને વડલે વિસામો વહાલો લગો-
જળ રે જમુનાનાં ભરવાંને ગિયાં’તાં, બેલી
સુરતા ચૂકીને બેડો ભગો

બાઈ મીરાં કે ગિરધરના ગુણે જીવો
સંતના ચરણમાં ચિત લગો –
સામળિયો મુંજો લગો

-મીરાંબાઈ

સ્વરઃ ડો.સાવની શાહ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા સૌજન્ય : માલવ દિવેટિયા

પળ છું નાજુક ઉઠાવ ધીમેથી

Comments Off on પળ છું નાજુક ઉઠાવ ધીમેથી

પળ છું નાજુક ઉઠાવ ધીમે થી ,
આંખમાં તું સમાવ ધીમે થી ,

એ ભલે હોય જળ કે હો મૃગજળ,
કોઈ આવે છે નાવ ધીમે થી ,

શબ્દ વચ્ચે નું મૌન પણ સાંભળ ,
અર્થ જેવું બિછાવ ધીમે થી,

ક્યાંક ઠેબે ચઢું ન એ બીકે
હું કરું આવજાવ ધીમે થી,

માંડ નીરવ થયો અવાજો માં ,
તું મને ખળભળાવ ધીમે થી.

વ્હાણ જેવો હું હોઉં દરિયાનું ,
૨ણમાં મુજને ચલાવ ધીમે થી

એમ તારા વિચારમાં હું છું,
જેમ વહેતી હો નાવ ધીમે થી ,

ક્યાંક મારો અભાવ લાગે તો,
આ ગઝલ ગુનગુનાવ ધીમે થી,

-મહેશ દાવડકર

સ્વરઃ અમન લેખડિયા
સ્વરાંકન : હરીશ ઉમરાવ

કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે…

Comments Off on કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે…

કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.

હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં.

સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.

હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં.

એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.

જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.

– સ્નેહી પરમાર

સ્વર : પિયુષ દવે
સ્વરાંકન : ડો ભરત પટેલ

માધવ હું તમારી મીરાં

Comments Off on માધવ હું તમારી મીરાં

માધવ હું તમારી મીરાં
ઓળખ માટે ઘૂંઘરું આપું
દઇ દઉં નયન અધીરાં

ઝેર પીધું તે ઓછું છે કે
હવે જુઓ છો ત્રાસું
આંખોમાં તો જુઓ ક્યારનું
ડળક ડળક ચોમાસું
એકવાર તો મળી જાઓ ને
યમુનાજીને તીરાં

મોરપીંછ નો મંડપ બાંધી
લગન કર્યા’તા શ્યામ
સાવ અજાણ્યા થઇ ને આજે
પૂછો કાં મારું નામ !
આમ પૂછીને તમે જ આપણાં
તોડીયાં રે મંદિરાં

– સુરેશ દલાલ

સ્વર : પ્રગતિ વોરા
સ્વરાંકન : રાજેશ પઢારિયા

Older Entries

@Amit Trivedi