એક દિ મળશો મને

Comments Off on એક દિ મળશો મને

એક દિ મળશો મને? ના, તને હું નહીં મળું,
તે દિવસે ને તે ઘડીથી હું ગઝલ વચ્ચે બળું.

ટોચ ઉપર એટલા માટે જવું છે દોસ્તો,
આભની આંખો ખૂલે ને હું તરત નજરે ચઢું;

સ્મિત, આંખો ને અદા, અંગડાઈ, ખુશબૂ, કેશ પણ,
એક્લો છું તોય જોને કેટલા સામે લડું;

દર વખત મારા શરીરે છેતર્યો છે સ્પર્શમાં,
હર વખત ઈચ્છા રહી જાતી કે હું મનને અડું;

આવતા જન્મે બનું હું મેઘનું ટીપું તો બસ,
એમના ગાલે અડું ને છો પછી નીચે પડું.

-મુકેશ જોશી

સ્વર : નયન પંચોલી
સ્વરાંકન : નયન પંચોલી

મારા ઘટમાં બિરાજતા

Comments Off on મારા ઘટમાં બિરાજતા

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી

શ્રીયમુનાજી શ્રીમહાપ્રભુજી
મારું મનડું છે ગોકુલ વનરાવન
મારા તનના આંગણિયામાં તુલસીનાં વન
મારા પ્રાણ જીવન … મારા ઘટમાં

મારા આતમના આંગણિયામાં શ્રીબાલકૃષ્ણજી
મારી આંખો વાંચે ગિરધારી રે ધારી
મારું તન મન ગયું છે જેને વારી રે વારી
મારા શ્યામ મોરારી … મારા ઘટમાં

મને પ્રાણ થકી મારા વૈષ્ણવો વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા
મેં તો વલ્લભપ્રભુજીનાં કીધાં છે દર્શન
મારું મોહી લીધું મન … મારા ઘટમાં

હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું
હું તો આઠે સમા એની ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું
જીવન સફળ થયું … મારા ઘટમાં

મને ભક્તિ મારગ કેરો રંગ રે લાગ્યો
મેં તો પુષ્ટિમાર્ગ કેરો સંગ રે સાંધ્યો
હીરલો હાથમાં આવ્યો … મારા ઘટમાં

મારી અંત સમયની સુણો રે અરજી
લેજો ચરણોમાં શ્રીજી બાવા દયા રે કરી
મારા નાથ તેડાવે … મારા ઘટમાં

સ્વર : આશિત-હેમા દેસાઇ
સંગીત: આલાપ દેસાઈ

@Amit Trivedi