રોજ પાડે કોણ આવો સાદ

Comments Off on રોજ પાડે કોણ આવો સાદ

રોજ પાડે કોણ આવો સાદ જોવા દે મને
આભ ઊંચેથી કરે ફરિયાદ જોવા દે મને

હું કહું છું મેં કર્યું ને તું કહે છે તે કર્યું
છેક સુધી એમ આ સંવાદ જોવા દે મને

કાનમાં ભીનાશ પગરવ સંભળાવા લાગશે
ચાલ તું મારા સમયની દાદ જોવા દે મને

-શૈલેશ પંડયા “ભીનાશ”

સ્વરઃ સુરેશ રત્નાતર
સ્વરાંકન : સુરેશ રત્નાતર

આ ઝાકળના ઝબકારા

Comments Off on આ ઝાકળના ઝબકારા

આ ઝાકળના ઝબકારા ઝાલી ઘાસ ફરે મેદાન વચ્ચે હેલ્લારો
આ સવારના રેલાઓ લૈ ટેકરીઓ દોડે પાન વચ્ચે હેલ્લારો

આ ઇત્તો ઇત્તો હેલ્લારો
આ ચાંપપલિતો હેલ્લારો

આ સરખેસરખી કળીઓ રમતી શમણું શમણું હેલ્લારો
આ ખર્યા પાનનું ખરવું લાગે નમણું નમણું હેલ્લારો

આ સૂંડે સૂંડે હેલ્લારો
આ ઊંડે ઊંડે હેલ્લારો

કોઈ હાથ દઈને રોકો : આવ્યો ધસમસ ધસમસ હેલ્લારો
આ બૂડી જવાનો મોકો આવ્યો ધસમસ ધસમસ હેલ્લારો

એક તારામાં કાંકરી હેલ્લારો
એક મારામાં કાંકરી હેલ્લારો

આ છાતીમાંથી કોની કાંકરી દડી પડી આ પાન વચ્ચે હેલ્લારો
આ કોની કાંકરી ઝાકળ ઝાકળ થઈ જડી મેદાન વચ્ચે હેલ્લારો

આ દડી પડ્યાનો હેલ્લારો
આ જડી પડ્યાનો હેલ્લારો

આ ઝાકળના ઝબકારા ઝાલી ઘાસ ફરે મેદાન વચ્ચે હેલ્લારો
આ સવારના રેલાઓ લૈ ટેકરીઓ દોડે પાન વચ્ચે હેલ્લારો

-રમેશ પારેખ

સ્વરઃ બંસરી યોગેન્દ્ર અને માલતી લાંગે
સ્વરાંકન : ચીમન તપોધન

સૌજન્ય : સંજય રાઠોડ સુરત

@Amit Trivedi