હાથમાં કારોબાર રાખ્યો તેં

Comments Off on હાથમાં કારોબાર રાખ્યો તેં

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.

આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.

કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

-મનોજ ખંડેરિયા

સ્વરઃ શ્યામલ સૌમિલ મુનશી

સ્વરાંકનઃ શ્યામલ સૌમિલ મુનશી

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ

Comments Off on મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.

પ્રેમના પ્રકરણ વિશે કંઈ બોલવાનું છોડીએ,
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ.

હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ,
જળને વ્હેવાની રસમ શિખવાડવાનું છોડીએ.

કંઠને શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ,
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.

કોઈ દુર્ગમ પથ ઉપર તૂટેલી ભેખડ કાં બનો?
છોડીએ તો એક સીમાચિહ્ન નાનું છોડીએ.

-હેમેન શાહ
(’લાખ ટુકડા કાચના’)

સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય અને પાર્થિવ ગોહિલ
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

અમારા રે અવગુણ

Comments Off on અમારા રે અવગુણ

અમારા રે અવગુણ રે
ગુરુજીના ગુણ ઘણા રે જી:
ગુરુજી !અમારા અવગુણ સામું મત જોવ ,

ગુરુજી મારો દીવો રે,
ગુરુજી મારો દેવતા રે જી:
ગુરુજી મારા પારસમણીને તોલ..
અમારા અવગુણ….

ગુરુજી મારા ગંગા રે,
ગુરજી મારા ગોમતી રે જી :
ગુરુજી મારા કાશી ને કેદાર.
અમારા અવગુણ…

ગુરુ મારા તરાપા રે,
ગુરજી મારા તુંબડા રે ,
ઈ રે તુમબડીયે ઉતર્યા ભવપાર.
અમારા અવગુણ…

ગુરુને પ્રતાપે દાસ જીવણ બોલીયા રે જી ,
કે દેજો અમને સંત ચરણોમાં વાસ..
અમારા અવગુણ…

-દાસી જીવણ

સ્વરઃ રવિન નાયક અને વૃંદ
સ્વરાંકન : રવિન નાયક

@Amit Trivedi