પરેશ ભટ્ટ

Comments Off on પરેશ ભટ્ટ

સુંવાળા શ્વેત છળમાંથી

Comments Off on સુંવાળા શ્વેત છળમાંથી

સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા
બિડાયેલા કમળમાંથી અમે નીકળી નથી શકતા

સદીઓથી શિલાલેખોના અણઊકલ્યા છીએ અર્થો
તૂટ્યા અક્ષરના તળમાંથી અમે નીકળી નથી શકતા

નદી, સરવર કે દરિયો હો તો નીકળી પાર જઈએ પણ-
સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા

સમય સાથે કદમ ક્યારેય પણ મળશે નહીં મિત્રો !
વીતેલી બે’ક પળમાંથી અમે નીકળી નથી શકતા

ઊભા તૈયાર થઈને રંગમંચે ક્યારના કિંતુ-
પડ્યા પરદાની સળમાંથી અમે નીકળી નથી શકતા

-મનોજ ખંડેરિયા

સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ

હરિ તમે ય ના પાડતા શીખો

Comments Off on હરિ તમે ય ના પાડતા શીખો

હરિ તમે ના ય પાડતાં શીખો !
માંગ્યા વિના ય કેટલું દીધું
સૂરજ ચંદર તારા
મીઠા જળની સરિતા દીધી
ઘૂઘવે સાગર ખારા
કદી કહ્યું નહીં અમને તમે તો
થોડું માંગો – ભીખો !
હવે ના ય પાડતાં શીખો.

અમે માંગીએ મનનું ગમતું
તમે કહો કે તથાસ્તુ
આજ ગમે તે કાલ ગમે નહીં
ગમતું રહે બદલાતું
એક કોળિયે ગળ્યો સ્વાદ ને
બીજે જોઇએ તીખો !
હવે ના ય પાડતાં શીખો.

અાદત પડી ગઇ અમને એવી
સાંભળ ઓ હરિ, મારા
માગણ થઇને આંગણ જાવું
મંદિર કે ગુરુદ્વારા
ટેવ પડી ગઇ, દેવાવાળો
મળ્યો છે તારા સરીખો.
હવે ના ય પાડતાં શીખો.

તમે હવે ના કૃપા કરીને
કષ્ટ અમારાં કાપો
આપવું હો તો માંગવું શું નો
વિવેક કેવળ આપો
દોડવા માંગતા મનને કહો કે
થોડું પહેલાં રીખો !
હરિ ના ય પાડતાં શીખો.

-તુષાર શુક્લ.

સ્વર : ભારતી વ્યાસ

હાથમાં અજબ દૈવત

Comments Off on હાથમાં અજબ દૈવત

હાથમાં અજબ દૈવત લઈ આવે છે ડોકટર
રામની રૈયત લઈ હૈયે આવે છે ડોકટર

એ તો છે દુઃખ ભંજન બનતા મોટા સુખનું કારણ
એક પછી એક બધાં રોગનું હળવેથી કરતાં મારણ

દુઆ ફળે એની દવા લઈને આવે છે ડોકટર
સૌના દેહને તીરથ જાણી શુકન લાવે છે ડોકટર

શ્ચાસની સરગમની નિરંતર ફેરવે છે માળા
કૂંચી દુઆની લઈને ખોલે બંધ તાળા

જીવનની રખવાળી કરી ને સાથ આપે છે ડોકટર
જિયો જિયો બસ જિયો જિયોનો મંત્ર આપે છે ડોકટર

-અમિત ત્રિવેદી

સ્વર : ધ્વનિત જોષી
સ્વરાંકન :ધ્વનિત જોષી

હે વ્યથા…

Comments Off on હે વ્યથા…

હે, વ્યથા ! હે, વ્યથા !
કુમળા કંઇ કાળજાને કોરતી કાળી કથા!

પાંપણો ભીની કરી, ગાલ પર મારા સરી.
નેણ કેરાં નીર થઇને, નીતરી જાજે તું ના. – હે, વ્યથા ! …

રક્તના રંગો ભરી, તે રંગથી નીજને ભરી,
જખમી દીલના ડાઘ થઇને, ચીતરી જાજે તું ના. – હે , વ્યથા !.. .

ધ્રુજતા મારા અધર, શી કુશળતાથી કરું, સ્મિતથી સભર?
ક્યાંક ઊની આહ થઇને, હોઠે તું આવી જાય ના. – હે, વ્યથા !

– શેખાદમ આબુવાલા

સ્વર : હરિહરન
સ્વરાંકન :અજીત શેઠ

Older Entries Newer Entries

@Amit Trivedi