આવ તોયે ચાલશે

No Comments

આવ તો યે ચાલશે, ના આવ તોયે ચાલશે,
દૂરથી બસ, વ્હાલ તું વરસાવ તોયે ચાલશે

એક પળ પૂરતો હશે લગાવ તોયે ચાલશે
એ પછી કાયમ રહે અભાવ તોયે ચાલશે

સાવ તો પીડાથી અળગાં થઈ શકાવાનું નથી,
રુઝતા હો એક-બે જો ઘાવ તોયે ચાલશે

ત્યાં કિનારે કોઈ મારી રાહ જુએ છે, હવે
છો ને ચાહે ડૂબવાને નાવ તોયે ચાલશે

: હિમલ પંડ્યા

સ્વર : ફિરદૌસ દેખૈયા
સ્વરાંકન : ફિરદૌસ દેખૈયા

હું તો પહેલા વરસાદથી ભીંજેલી

No Comments

હું તો પ્હેલા વરસાદથી ભીંજેલી હો રાજ,
મારે જાવું ક્યાં જાવું રે બોલ?

જોઉં તો ભાનસાન પાણી વિના ય
તૂટી પડતા વરસાદ સમાં લાગે
ઝીલવા જઉં તો કેર કાંટાની જેમ રાજ,
મારો સહવાસ મને વાગે
ચોમાસું બેસવાને આડા બે ચાર માસ
તોય પડે ધોધમાર હેલી….

હો રાજ, મારે જાવું ક્યાં જાવું રે બોલ?
હું રે ઉનાળાની સાંકડી નદી ને
તમે મારામાં આવેલું પૂર
ઝાડથી વછોઈ કોઈ ડાળખીને જાણે કે
પાંદડાંઓ ફૂટ્યાં ઘેઘૂર
ભીનોચટ્ટાક સાદ પાડે રે મોર પછી
ખોલું કે બંધ કરું ડેલી?

હો રાજ, મારે જાવું ક્યાં જાવું રે બોલ?‘-

-રમેશ પારેખ

સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન :ક્ષેમુ દિવેટીઆ

સૌજન્ય : સંજય રાઠોડ, સુરત

અમે રાખ માંથી યે બેઠા થવાના

No Comments

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.

ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.

ધખો તમતમારે ભલે સૂર્ય માફક,
સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના.

ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.

અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે પંખી એકે ન ચૂકી જવાના!

-હર્ષ બ્રહ્મભટ્ટ

સ્વરઃ આશિત દેસાઈ અને હેમા દેસાઈ
સ્વરાંકનઃ આશિત દેસાઈ
સૌજન્ય :સંજય રાઠોડ, સુરત

@Amit Trivedi