બ્હેના, મારી બ્હેના

Comments Off on બ્હેના, મારી બ્હેના

બ્હેના, મારી બ્હેના,
મારી બ્હેના ,લાડકી બ્હેના

ઘરમાં તારાં ટહુકા બ્હેના
ઉંબરે પગલાં તારાં
દિવાલે તારાં કંકુ થાપા
આંખમાં સ્મરણો આંજ્યા
સાદ દઉં ત્યાં મુખડું મલકે
યાદમાં છલકે નૈના
બ્હેના, મારી બ્હેના,
મારી બ્હેના, લાડકી બ્હેના

રાખડી કેરા દોરે ગૂંથાઇ
બાળપણાની યાદ
ભાઈને તારા ભીંજવે , બ્હેની
વ્હાલ તણો વરસાદ
બ્હેના, તારા હેતની સોહે
રાખડી મારે હાથ
સુખમાં દુખમાં , બ્હેન, આ તારો
ભાઇ હશે સંગાથ
સાદ દઉં ત્યાં મુંખડું મલકે
યાદમાં છલકે નૈના
બ્હેના, મારી બ્હેના,
મારી બ્હેના , લાડકી બ્હેના

ખારા રણમાં મીઠા જળની વીરડી
બ્હેના, તું
બ્હેન નથી એનાં આંસુ બોલતાં
બ્હેની એટલે શું
રાખડી બાંધી મીઠડાં લેતી
હેતથી ભીના નેન
હાથ જોડી હરિ માંગતો એટલું
રાજી રહે મારી બ્હેન
સાદ કરું ત્યાં મુખડું મલકે,
યાદમાં છલકે નૈના
બ્હેના, મારી બ્હેના,
મારી બ્હેના , લાડકી બ્હેના

– તુષાર શુક્લ

સ્વર : ડો પાર્થ ઓઝા
સ્વરાંકન : નિશીથ મહેતા

ગીતનું Video જોવા click કરો :

આજ કાચા રે સૂતર કેરો

Comments Off on આજ કાચા રે સૂતર કેરો

આજ કાચા રે સૂતર કેરા તારનો તહેવાર
નાચો નાચો નરનાર
લઇ ફૂલકેરા હાર હાલો બંધવાને તાર
હો જી હો રે હો ,

આ જગ ની વાત ,
આયો શ્રાવણ માસ ,
પૂરી કરે રે આસ , હોજી હો રે હો .

આ લાલ-પીળો દોરો
એને તાણેવાણે બાંધુ, બંધુ ગમે ગોરો

ભાઇ અને બેનની એવી રે સગાઇ કે
જનમો જનમ ના આવે જુદાઇ
દુખનો પડછાયો કદી આવે નહીં ઓરો
આ લાલ-પીળો દોરો

રીમઝીમ રીમઝીમ શ્રાવણની ધાર…
કરે બાંધવ કેરો બેડો પાર,

થઇ રક્ષાબંધન અમર તાર ,
વરસે બેહની ને દ્વાર દ્વાર ,

ભલો થાજે લાડકો તું જણનારી માવલડીનો
ભલો થાજે પીયુડો તું ગોરી ગોરી ભાભલડીનો
થજે તું સૌનો , ભાઇ રહેજે મારો

આજ કાચા રે સૂતર કેરા તારનો તહેવાર
નાચો નાચો નરનાર
લઇ ફૂલકેરા હાર હાલો બંધવાને તાર
હો જી હો રે હો ,

આ જગ ની વાત ,
આયો શ્રાવણ માસ ,
પૂરી કરે રે આસ , હોજી હો રે હો .

– અવિનાશ વ્યાસ

સ્વરઃ આશા ભોંસલે

@Amit Trivedi