મન થવું તરબોળ હવે તો

No Comments

નિશા કાપડિયા

મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા.

ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે,
પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે,
રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,
પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,
તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

હૈયું રહેશે હાથ નહિ ને હાથ તમારે હાથે,
મળશું ભીના કૉલ આપશું વાદળ ઘેરી રાતે,
મસ્તીમાં ચકચૂર બનીશું જા, મોસમ મદમાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

– દિલીપ રાવળ

સ્વર :નિશા કાપડિયા
સ્વરાંકન :પિયુષ કનોજિયા

સૌજન્ય : ભવન્સ

પાંદડું ખર્યું ને ઝાડ…

No Comments

પાંદડું ખર્યું ને ઝાડ રહ રહ રૂવે,
જુએ આખો વગડો ને વન,
તોય એનાં આંસુંડા કોઈ ના લૂવે.

એક એક પાંદડે સૂરજ ને ચંદરનાં
રમતાં’તાં તેજ અને છાયા;
લીલા અનોખી ને ઠાઠ રે અનોખો
એની વળગી’તી લીલુડી માયા.
એની માયાના મોલ મૂંગા મૂરઝાતા જાય
ને ભીતરનું ભાનસાન ખૂવે.

પાંદડું ખર્યું ને..

પીળું ખરે એનો હોય નહીં રંજ
આતો કૂંપળને આંબી ગઈ આંધી
કુણેરા કોડ એના કાળમુખી વાયરે
અધરાતે લીધા રે બાંધી
એનાં અથરા રે પ્રાણ આજ પીંખાતા જાય

જાણે ઊડી નવાણ ગયા કૂવે

પાંદડું ખર્યું ને ઝાડ રહ રહ રૂવે

-ભાસ્કર વોરા

સ્વર :આલાપ દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ

મુખ પર મલકાયું ગોકળિયું

No Comments

મુખ પર મલકાયું ગોકુળિયું ગામ ને મનમાં મથુરાના મ્હેલ,
ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે પ્રીત નાં જગાડીએ…

જમુનાનાં જળ હવે મૃગજળ-શાં લાગે ને નંદનવન રેતીનું રણ,
પૂનમને ઘેરી અમાસ હવે ડંખતી આ એક એક જીવનના કણ…

આ બાજુ કણકણમાં લીલા દેખાડો ને એ બાજુ મથુરાની સ્હેલ,
ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે પંડ ના પુગાડીએ…

મુરલીના સૂર હવે કાંટા-શા વાગે ને કુંજગલી કાંટાળી વાડ,
લીલુડા લ્હેરિયાના લીરા જો ઊડતા ને ઊડતા લાખેણા લાડ…

લાડ કરી આ બાજુ અમને ડોલાવો ને એ બાજુ મથુરાની ઢેલ,
ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે ઢોલ ના વગાડીએ…

-ભાસ્કર વોરા

સ્વર : આરતી મુનશી
સ્વરાંકનઃ શ્યામલ સૌમિલ મુનશી

સખી મધરાતે એકવાર મીરાં

No Comments

સખી મધરાતે એકવાર મીરાં આવી’તી
મારા મનનાં મંદિરીયામાં રહેવા.
સપના ઢંઢોળી મુને માધવની વાતડી
એ હળું હળું લાગી’તી કહેવા.

ગોકુલ મથુરાને દ્વારિકાની રજ એણે
હસી હસી દીધી’તી હાથમાં,
મુરલીના સૂર ગુંથી તુલસીની માળા
એણે પહેરાવી લીધી’તી બાથમાં.
એની રે હુંફમાં એક જોકું આવ્યું ને
એમ આંસુ ઝર્યા’તા અમી જેવા.
સખી મધરાતે એકવાર..

ગોરસ ગીતાના એણે એવા રે પાયા,
મારી ભવ ભવની તરસ્યું છીપાણી,
ભાગવા તે રંગે હું એવી ભીંજાણી
મારાં રૂંવે રૂંવે મીરાં રંગાણી.
ભગવની છોળ ધરી મીરાની વાત
હું તો ઘેર ઘેર ઘુમતી રે કહેવા.
સખી મધરાતે એકવાર..

-ભાસ્કર વોરા

સ્વર : નયન પંચોલી
સ્વરાંકન :નયન પંચોલી

સખી માધવનું વ્હાલ નથી ખાલી બે વેણ

No Comments

સખી માધવનું વ્હાલ નથી ખાલી બે વેણ,
જેને સાંભળવા વાટ નીત જોતી જોતી

હરિયાળા હૈયામાં છુટ્ટું મેલીને
એના સૂર તણું ગોધણ કોક દિ
નીતરતા નેણને વહેતું મેલીને
એની લાગણી તટ તણે ઘુમતી

લાગણીના લટકામાં લાખેણી દુનિયામાં
ખાલી ના સાવ આમ જોતી જોતી

કાળી રે કામળીમાં બાંધી રાખેલ એની
લીલા લહેરાવે કો’ક દી,
મધરાતે માવઠાથી ભીંજવીને
એની ફોરમમાં ફોરમાઇ એમ રે.

ફોરમતાં ફોરાંની મલકાતી માયામાં,
ખાલી આ ડાળ વલોતી વલોતી

-ભાસ્કર વોરા

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : આશિત દેસાઈ

Older Entries

Contact Us On WhatsApp @Amit Trivedi