તમને અમારા સમ છે

Comments Off on તમને અમારા સમ છે

તમને અમારા સમ છે, તમે આવો અબઘડી,
આવો પછી ન જાવો રહો દિલમાં હર ઘડી.

આશા ભરેલી સાંજ ગઈ, રાત પણ પડી,
ચાંદો છુપ્યો તો ચહેરો બતાવોને બે ઘડી.

નજર નજર મળે તો બને નઝમો ઘડી ઘડી,
રસ્તામાં તું મળે તો બનું શાયર એ ઘડી.

આખર કરી સલામ સનમ તમને રડી રડી,
ઉઠતો નથી જનાજો હજી દમ છે બે ઘડી.

સાચે જ ગળતું જામ, મધુશાલા તો ખડી,
ઇશ્વર તમારા જેવો મને પત્થર ગયો જડી.

-કમલેશ સોનાવાલા

સ્વર : રૂપકુમાર રાઠોડ

આંખોથી થાકીને ભાગેલા આંસુઓ

Comments Off on આંખોથી થાકીને ભાગેલા આંસુઓ

આંખોથી થાકીને ભાગેલા આંસુઓ દરિયાના પાણીમાં ન્હાય
એ આપણને ક્યાંથી સમજાય ?

જીવતરનો અર્થ યાને ઝોહરાના કોઠા પર સદીઓથી બાટેલાં થોથાં ,
એમ છતાં લાગણીની લિપિ ઉકેલવામાં પંડિતો ખાય રોજ ગોથાં .

મેળવવી બાકી હો ચપટી એક હૂંફ અને હૈયામાં લાગે છે લ્હાય
એ આપણને ક્યાંથી સમજાય ?

સપનાના રાફડાએ રેઢી મેલી છે અમે ઈચ્છાની છલકાતી તાંસળી ,
પાંસળીઓ ઊંડેથી વલવલતી જાય કહો, કેમ કરી ઉતારું કાંચળી ?

માથાફરેલ જણ સળગાવી જાત ખૂદ પોતાના રાજિયાઓ ગાય
એ આપણને ક્યાંથી સમજાય ?

– જોગી_જસદણવાળા

સ્વર: નિધિ ધોળકીયા
સ્વરાંકન :ડૉ.ભરત પટેલ 

@Amit Trivedi