સ્વર્ગથી આશિષ

5 Comments

સ્વર્ગથી આશિષ તમે આપો પપ્પા,
હાથ મારા શીશ પર રાખો પપ્પા.

વૃક્ષનો એ છાંયડો બનતાં તમે,
આવનારા દુઃખ દર્દ કાપો પપ્પા.

ભીંત પર ફોટો નથી, છે લાગણી,
જીંદગીભર સાથમાં લાગો પપ્પા.

આપ તો દિલમાં વસો છો રાત’ દી,
છે તમારો આશરો સાચો પપ્પા.

આપને જોનાર પણ નાં ઓળખે,
માનવીમાં દેવતા લાગો પપ્પા.

-પ્રશાંત સોમાણી

સ્વરઃ ડો ભરત પટેલ
સ્વરાંકન : ડો ભરત પટેલ

તકદીર માં નથી છતાં

2 Comments

તકદીર માં નથી છતાં ચાહું તને,
ઈચ્છા કે સાત જન્મ સુખ આપું તને.

પામી નથી શક્યો તને જાહેરમાં,
સપનું બની હું યાદમાં પામું તને.

સોપું તને આ જીંદગી સઘળી પ્રિયે,
હું એક એક શ્વાસમાં રાખું તને.

ધરપત હતી સમય થયે આવીશ તું,
સૂરજ ઢળી ગયો છતાં ભાખું તને.

લાગે ભલે “પ્રશાંત” સાગર આકરો,
છે ઝંખના મળે બધું સારું તને.

-પ્રશાંત સોમાણી

સ્વરઃ ડો ફિરદૌસ દેખૈયા
સ્વરાંકન :ડો ફિરદૌસ દેખૈયા

ગીત કેરી સાદગીમાં

2 Comments

ગીત કેરી સાદગીમાં આવજે,
પ્રીત કેરી બંદગીમાં આવજે.

આવડે નાં ગીત ગઝલો પ્રેમની,
તોય મારી જીંદગીમાં આવજે.

હૈયુ તરસે પ્રિયતમની આશ માં,
ફુલ બની તું તાજગીમાં આવજે .

છોડ દુનિયાની ખરી-ખોટી રસમ
એય દિલ ! દીવાનગીમાં આવજે

આંખ અંજાશે ઘણી, આ રૂપથી,
ખ્વાબમાં પણ ખાનગી માં આવજે.

-પ્રશાંત સોમાણી

સ્વરઃ શૌનક પંડ્યા
સ્વરાંકન :શૌનક પંડ્યા

@Amit Trivedi