પાણી વચ્ચે પરપોટા

2 Comments

પાણી વચ્ચે પરપોટા ને પરપોટામાં વાત
દરિયા જેવું કૈં હવે નહીં દરિયો ઝંઝાવાત

હો હો કરતુ લાગણીઓ નું ટોળું નીકળે કાંઠે
આભ લટકતું ઉંધે માથે બોલો કોના માટે?
મોજાઓ પણ મીંઢા લાગે મીંઢી લાગે જાત

પાપણ ઝૂલે આસોપાલવ તડકો પગની પેની
પગમાં રોપી પડછાયા તો ઠેસે ચડતા એની
હાથ બિચારા વેરણછેરણ રેતી જેવી રાત

માછલીઓ પણ હોશે ગળતી વિસ્મૃતિના શાપ
સઘળું પાણી લૂ થઈ વાતુ એવા કોના પાપ
આંખ ચૂવે નહીં આંસુ તોયે લાગે અશ્રુપાત

-મહેન્દ્ર જોશી

સ્વર :ગાર્ગી વોરા અને નિગમ ઉપાધ્યાય
સ્વરાંકન :ડો ભરત પટેલ

ફૂલ કહે ભમરાને

3 Comments

ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં,
માધવ ક્યાંય નથી મધુવનમાં…

કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબ ડાળી,
“યાદ તને, બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી?”

લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં,
માધવ ક્યાંય નથી મધુવનમાં…

કોઈ ન માગે દાણ, કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી?

નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં,
માધવ ક્યાંય નથી મધુવનમાં…

શિર પર ગોરસ મટુકી મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન વાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી!

કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુવનમાં,
માધવ ક્યાંય નથી મધુવનમાં…

– હરિન્દ્ર દવે

સ્વર: હેમાબેન દેસાઈ

સુની સમંદર પાળે મળજે

1 Comment

સુની સમંદર પાળે મળજે
અથવા રણની ભાળે મળજે.

ચમકી ઉઠશે અગ્નિ પુષ્પો
વડવાનલ ની ડાળે મળજે

ભસ્મકણી લઈ પાછો આવીશ
તું પૃથ્વીની નાળે મળજે .

કોઈ કશે નીરખે નહીં ત્યારે
તેજ તિમિર ના તાળે મળજે .

સાવ અટૂલી એકલ મળજે
ઓ વ્યથા હરકાળે મળજે .

વસ્ત્ર તિમિરનું હડસેલીને
સૂર્યકિરણ ની સાળે મળજે .

કોઈ હથેળીમાં ઘર બાંધીને
એના ઊંચા માળે મળજે

-મહેન્દ્ર જોશી

સ્વર : નિગમ ઉપાધ્યાય
સ્વરાંકન : ડો ભરત પટેલ

@Amit Trivedi