સુની સમંદર પાળે મળજે

No Comments

સુની સમંદર પાળે મળજે
અથવા રણની ભાળે મળજે.

ચમકી ઉઠશે અગ્નિ પુષ્પો
વડવાનલ ની ડાળે મળજે

ભસ્મકણી લઈ પાછો આવીશ
તું પૃથ્વીની નાળે મળજે .

કોઈ કશે નીરખે નહીં ત્યારે
તેજ તિમિર ના તાળે મળજે .

સાવ અટૂલી એકલ મળજે
ઓ વ્યથા હરકાળે મળજે .

વસ્ત્ર તિમિરનું હડસેલીને
સૂર્યકિરણ ની સાળે મળજે .

કોઈ હથેળીમાં ઘર બાંધીને
એના ઊંચા માળે મળજે

-મહેન્દ્ર જોશી

સ્વર : નિગમ ઉપાધ્યાય
સ્વરાંકન : ડો ભરત પટેલ

પગલી પારિજાતની ઢગલી

No Comments

પગલી પારિજાતની ઢગલી !
ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજગલી !

કાલ સુધી જે છાયાઓ આંગણ ઘેરી પથરાતી,
શેરીમાં ચિંતાની રજ ઊડતી ઠરતી અટવાતી.
આજ હવા તુલસીક્યારાની ફરતે ગાવા ચલી.
પગલી પારિજાતની ઢગલી !

પંખીએ માળો બાંધ્યો છે કિરણોનાં તરણાંનો
યમુનાને શો ઉમંગ એણે સાદ સૂણ્યો ઝરણાંનો
સંશયની કારા તૂટી ગઈ, દુનિયા સઘળી ભલી.
પગલી પારિજાતની ઢગલી !

-રઘુવીર ચૌધરી

સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ

બધાં વળગણ બધા સગપણ

No Comments

બધા વળગણ બધા સગપણ બધું મિથ્યા છે છોડી દે
તું કેળવ આટલી સમજણ બધું મિથ્યા છે છોડી દે

કરચલીઓ ત્વચા પરની સહજતાથી ઝીલી લઈને
કહે છે એટલું દર્પણ બધું મિથ્યા છે છોડી દે

નથી સંયમ નિખાલસતા અલખનો નો રંગ પણ ક્યાં છે
તો ભગવા કાં ધર્યા પહેરણ? બધું મિથ્યા છે છોડી દે

હું ઓજારો લઈ કંડારવા બેસું મહેચ્છાઓ
મળે ત્યાં એટલી ટાંચણ બધું મિથ્યા છે છોડી દે

પરમ ને પામવા શરણું જ પૂરતું છે પ્રતિક્ષાનું
વરસ મહિના દિવસ કે ક્ષણ બધું મિથ્યા છે છોડી દે

-ભાર્ગવ ઠાકર

સ્વરઃડો ભરત પટેલ
સ્વરાંકન : ડો ભરત પટેલ

દર્દને ગાયા વિના – આશિત દેસાઈ

No Comments

દર્દને ગાયા વિના રોયા કરો,
પ્રેમમાં જે થાય છે જોયા કરો.

બીક લાગે કંટકોની જો સતત,
ફૂલને સુંઘો નહીં જોયા કરો.

કેમ આવ્યા આ જગે રડતા તમે?
જિંદગી આખી હવે રોયા કરો.

લાગણીની વાત ના કરશો તમે
આંખના સંબંધને રોયા કરો

લ્યો હવે ‘કૈલાસ’ ખુદને કાંધ પર,
રાહ સૌની ક્યાં સુધી જોયા કરો?

– કૈલાસ પંડિત

સ્વર : આશિત દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ

મનવા ! ખોલ તિમિરનાં તાળાં

No Comments

મનવા ! ખોલ તિમિરનાં તાળાં,
તારી આંખોમાં ડોકાતાં અનહદનાં અજવાળાં;
મનવા ! ખોલ તિમિરનાં તાળાં.

વસંત આવી, વેણુ વાગી,
કોયલ બોલી બોલ સુહાગી,
નિમિલિત નેણાં કેમ નિરખશે ખીલ્યાં ફૂલ રૂપાળાં ?
મનવા ! ખોલ તિમિરનાં તાળાં.

અખૂટ ખજાનો છે સાંચવણે,
એની વેદના વેણ શું વરણે ?
મધરાતે મનડાને મળતાં ઝડ ઝરડાં ને જાળાં.
મનવા ! ખોલ તિમિરનાં તાળાં.

કારીગરનો સાથ કરી લે,
ચાવી એની હાથ કરી લે,
તાળાં તૃષ્ણાનાં ખૂલતામાં અજવાળાં અજવાળાં !
મનવા ! ખોલ તિમિરનાં તાળાં

-મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

સ્વરઃ ગાર્ગી વોરા
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ

સૌજન્ય : પ્રણય વસાવડા

Older Entries Newer Entries

@Amit Trivedi