તારી કનેથી કંઈક હજુ માંગવું ગમે

Comments Off on તારી કનેથી કંઈક હજુ માંગવું ગમે

તારી કનેથી કંઈક હજુ માંગવું ગમે
દીધું હૃદય તો સ્વપ્ન સમુ માંગવું ગમે

વાદળ સમી છે તું અને હું વૃક્ષ નો સ્વભાવ
તારું સમું જ કોઈ સગુ માંગવું ગમે

તારો વિકલ્પ તું જ અને તું જ સર્વદા
માંગ્યા વિના મળે તો ઘણું માંગવું ગમે

તું છે સ્વયં કવિતા વિષય કવિનો તું
છંદોવિધાન, ગાન બહુ માંગવું ગમે

જાગ્રત, સુષુપ્ત, સ્વપ્ન બધું એકમેક જ્યાં
એવી ક્ષણો માં તારો બનું માંગવું ગમે

રણકારનું કોઈ ચલણ સંભવે નહીં
એવું જ સ્વાભિમાન ઋજુ માંગવું ગમે

-ગુણવંત ઉપાધ્યાય

સ્વર : નિગમ ઉપાધ્યાય
સ્વરાંકન : ડો ભરત પટેલ

સાહિબો મારો ગુલાબનો છોડ – કૈલાસ પંડિત

Comments Off on સાહિબો મારો ગુલાબનો છોડ – કૈલાસ પંડિત

હે…
ક્યારે પૂરા થશે મનના કોડ ?
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

ઢળતો દેખાય છે સૂરજ આકાશમાં
ઘેલો થઇ ખેલે છે ફૂલોથી બાગમાં
ભમરાની જેમ તો ય માની જો જાય તો
કહેવી છે વાત એવી મારે પણ કાનમાં

હે.. મારા જોબનનું ઉગ્યું પરોઢ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

કલકલતાં ઝરણાંમા નદીયું છલકાય છે
નદીયુંના વ્હેણમાં સાગર મલકાય છે
ચાંદાને જોઇ સાગર ઝૂલે છે ગેલમાં
ધરતીનો છેડો જઇ આભમાં લહેરાય છે

હે.. નદીને સાગર થવાના જાગ્યા કોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

આંખોની વાત હવે હોઠો પર લાવીએ
ફૂલોની પાસ જઇ કોરા થઇ આવીએ
રોપીને આસપાસ મહેંદીના છોડને
માટીના કુંડામાં તુલસી ઉગાડીએ

હે.. હવે હમણાં તો હાથ મારો છોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

– કૈલાસ પંડિત

સાહિબો મારો ગુલાબનો છોડ– રઘુનાથ બ્રહ્મભટ્ટ

Comments Off on સાહિબો મારો ગુલાબનો છોડ– રઘુનાથ બ્રહ્મભટ્ટ

સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની,
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.

આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી,
કેસરને ક્યારડે કસ્તુરી આ ભળી.

રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ :
ઓઢણી ઓઢી ઉમંગની.

– રઘુનાથ બ્રહ્મભટ્ટ

સ્વર :આશિત અને હેમા દેસાઈ
સ્વરાંકનઃ આશિત દેસાઈ

સાહ્યબો મારો ગુલાબનો છોડ છે – પન્ના નાયક

Comments Off on સાહ્યબો મારો ગુલાબનો છોડ છે – પન્ના નાયક

તમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

દિવસના કામમાં ખોવાઇ જાઉં : રાતનો તો જુદો મરોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે રાતે રહો તો મારી સુંવાળી સુંવાળી સોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

પાસે આવી ને તમે શોધી કાઢો : મારી સોડમાં તો રાત ને પરોઢ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

– પન્ના નાયક

સ્વર : રાવી મોરે અને વૃંદ
સ્વરાંકન : સુભાષ દેસાઈ
સંગીત : વિક્ર્મ પાટીલ
આલ્બમ: ક્યાંક સપનામાં

@Amit Trivedi