આ ફૂલ ખીલ્યા કે ચહેરા

Comments Off on આ ફૂલ ખીલ્યા કે ચહેરા

પ્રીતિ ગજ્જર

આ ફૂલ ખીલ્યા કે ચહેરા,
ધરતીએ લીલી ચુનર પર,
ધરી લીધા છે સહેરા…

સુરજ મન માં મીઠું મલકે
ઝૂલે વાયુ પાન ની પલકે
મધુકર ના ગુંજારવ સામે
ખુશ્બુ ભરતી પહેરા…

મંદ પવન નું ઝોલું આવ્યું
ફૂલે એનું શીશ નમાવ્યું
ભ્રમરે ધારી શ્યામ ની મુરત
ફૂલ બની ગયાં દહેરા…

-ભાસ્કર ભટ્ટ

સ્વરઃ પ્રીતિ ગજ્જર
સ્વરાંકન : ડો. ભરત પટેલ
સંગીતઃ ડો ભરત પટેલ

ગરબા

Comments Off on ગરબા

ગરબા હેમાલી વ્યાસ અને આદિત્ય ગઢવી

પૂછી જુઓ આ જાતને

Comments Off on પૂછી જુઓ આ જાતને

પૂછી જુઓ આ જાતને કે ક્યાં જઇ રહ્યા?
કોના ઇશારે આપણે આગળ વધી રહ્યા?

જન્મોજનમના કોલ તને દઇને શું કરું?
જ્યાં એક ભવના વાયદા ખોટા પડી રહ્યા !

તું લાગણીનો ખેલ ફરીથી શરૂ ન કર,
રોઇ શકાય એટલા આંસુ નથી રહ્યા.

હોવા છતાં જબાન કશું બોલતા નથી,
ખુદના જ શબ્દ જેમને કાયમ નડી રહ્યા.

ભૂલી ગયા કે બ્રહ્મ તણા અંશ છો તમે,
ચપટીક સુખને માટે તમે કરગરી રહ્યા !

-કિરણસિંહ ચૌહાણ

સ્વર : શૌનક પંડ્યા

સ્વરાંકન : શૌનક પંડ્યા

સૌજન્ય : સંજય રાઠોડ, સુરત

અઢી અક્ષરનું ચોમાસું

Comments Off on અઢી અક્ષરનું ચોમાસું

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ચાર અક્ષરના ધોધમારમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!

અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળુ ગમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

– ભગવતીકુમાર શર્મા

સ્વર : રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ

સ્વરાંકન : રાસબિહારી દેસાઈ

પાસ પાસે તોયે

Comments Off on પાસ પાસે તોયે

પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણો વાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

રાતદીનો સથવાર તે સામે મળવાનું તો
કોઇ દહાડો સુખ મળતું નથી,
આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
ફળિયામાં સળવળતું નથી;

આસુંનેયે દઇ દીધો છે ભવનો કારાવાસ…
પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !

ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઇ ભીંત હશે,
કે યાદ જેવું કોઇ બારણું હશે?

પડખે સૂતાં હોય ને લાગે શમણાનો સહવાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

-માધવ રામાનુજ

સ્વર : વિભા દેસાઈ અને રાસબિહારી દેસાઈ
સ્વરાંકનઃ રાસબિહારી દેસાઈ

@Amit Trivedi