જિયો જિયો જી….

Comments Off on જિયો જિયો જી….

જિયો જિયો જી
ગુરૂ, જિયો જિયો
મને ગોરખજ્ઞાન દિયો .

જ્ઞાનકટોરૂ ગુરૂ, દીધું મારા હાથમાં,
હેતે કીધું, પિયો પિયો.
અમરત એનું પી ગયો, તોય
હજી અંધારો રિયો રિયો
મને ગોરખજ્ઞાન દિયો.

જાળવણી કરૂં જ્ઞાનની એવી
કૂંચી કોઈ કિયો કિયો.
સરદ એવો સદૂગુરૂએ સંભળાવ્યો
હરિચરણમાં રિયો રિયો
મને ગોરખજ્ઞાન દિયો

-‘સરોદ ‘

સ્વરઃ આશિત દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા

સૌજન્ય : માલવ દિવેટિયા

જમુનાના જળ…

Comments Off on જમુનાના જળ…

ગાર્ગી વોરા

જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
તીરથ ને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાંખ.

રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા
તંઈ જંઈ એક મોરપિચ્છ રંગાયું,
હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા કંઈ ઘેલીએ,
એ દિ’ આ વાંસળીએ ગાયું,
મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર, સખી ! સાંખી શકે તો જરી સાંખ !
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !

ગોધૂલિવેળાની ડમરીમાં ડૂબકી દઈ
આયખું ખૂંદે છે ખાલીખમ પાદર;
રાહનાં રૂંવાડાને ઢાંકવા પડે છે કમ
આ ચોર્યાસી લાખ તણી ચાદર.
છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !

– વિવેક મનહર ટેલર

સ્વર :ગાર્ગી વોરા
સ્વરાંકન : મેહુલ સુરતી

@Amit Trivedi