ઝૂંટવી બીજાનો ગુલમ્હોર

Comments Off on ઝૂંટવી બીજાનો ગુલમ્હોર

ઝૂંટવી બીજાનો ગુલમ્હોર નહીં લઈએ
આપણે હો બાવળ તો એની હેઠ રહીએ

ક્યાં રહીએ એની વડાઇ નથી કાંઈ
રહીએ કઈ રીતે એનો મહિમા છે આંહી

પારકાનો વૈભવ ને પારકાનું સુખ
નરવી નજરુંથી જુએ એને શાં દુ:ખ ?

ઊંઘ દિયે તે ભોંને સુખશય્યા કહીએ !

પારકાંને પોતીકાં કરવાની ટેક-
હોય એ પહોંચે શિખર સુધી છેક

દરવાજા આપણા ના રાખીએ જો બંધ
બીજાના બાગની પમાય તો સુગંધ

ઉમળકો સમભાગે સૌને દઈ દઈએ !

-રમેશ પારેખ

સ્વરઃ સુરેશ જોશી અને નેહા પારેખ
સ્વરાંકન : સુરેશ જોશી

સૌજન્ય :સંજય રાઠોડ સુરત

એ તો ગયા પણ…

Comments Off on એ તો ગયા પણ…

એ તો ગયા, પણ એમના ચહેરા રહી ગયા
લાગ્યા કરે છે કે એ જવાનું ભૂલી ગયા

નિસ્તબ્ધતા વિરહની હવામાં ભળી ગઇ
ચહેરાના ભાવ પર્ણની રેખા બની ગયા

જે શબ્દ રહી ગયા’તા ગયામાં બરફ થઇ
વાતાવરણમાં ઓગળી પડઘા થઇ ગયા

સંતાઇ ગઇ છે ઓરડામાં ક્ષણ વિદાયની
ઘરમાં સમયની વાંસના ફોડાં ઉગી ગયા

કોઇ ગયું છે એ છતાં કોઇ નથી ગયું,
ખાલીપણાના ભારમાં પગ ઉપડી ગયા

-જવાહર બક્ષી

સ્વર : કૌમુદી મુન્શી
સ્વરાંકન : નીનુ મઝુમદાર

@Amit Trivedi