ચન્દ્રીએ અમૃત મોકલ્યાં

Comments Off on ચન્દ્રીએ અમૃત મોકલ્યાં

ચન્દ્રીએ અમૃત મોકલ્યાં, રે બ્હેન!
ફૂલડાંકટોરી ગૂંથી લાવ,
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

અંજલિમાં ચાર-ચાર ચારણી, રે બ્હેન!
અંજલિમાં છૂંદણાંના ડાઘ :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

ઝીલું નહીં તો ઝરી જતું, રે બ્હેન!
ઝીલું તો ઝરે દશ ધાર :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

ફૂલડાંમાં દેવની હથેળીઓ, રે બ્હેન!
દેવની કટોરી ગૂંથી લાવ :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

-ન્હાનાલાલ કવિ

સૌજન્ય : સંજય રાઠોડ સુરત

આજ મહારાજ જલ પર ઉદય

Comments Off on આજ મહારાજ જલ પર ઉદય

આજ,મહારાજ! જલ પર ઉદય જોઈને ચંદ્રનો
હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે ;
પિતા! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે !
પિતા! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલ દલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિકૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી ,
પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

-કાન્ત

સ્વરઃ અમર ભટ્ટ

સ્વરાંકનઃ અમર ભટ્ટ

સૌજન્ય : સંજય રાઠોડ સુરત

કોકના તે વેણને

Comments Off on કોકના તે વેણને

કોકનાં તે વેણને વીણી વીણીને વીરા !
ઊછી—ઉધારાં ન કરીએં,
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએં,
કોયલ તો કોઇનો ટહુકો ન માગે ને
મોરલો કોઇની કેકા,
માનવીનું કાળજ તે કેવું કર્યું ?
પીડા પોતાની, પારકા લ્હેકા !
રૂડારૂપાળા સઢ કો’કના શું કામના?
પોતાને તુંબડે તરીએં–
કોઇ કોઇ ચીંધે છે રામટેકરી
કોઇ ઓઢા—હોથલની ગુહા,
ચોમાસે ક્યાંક ક્યાંક શલોક ચગે,
ક્યાંક દરદે નીંગળતા દુહા :
જીવતી ને જાગતી જીવનની ખોઇમાં
કોઇની ભભૂત ન ભરીએં–
પોતાની વાંસળી પોતે બજાવીએ ને
રેલાવી દઇએ સૂર :
ઝીલનારું એને ઝીલી લેશે, ભલે
પાસે જ હોય કે દૂર :
ઓલ્યા તો મોતને જીવી ગયા ને વીરા !
જીવતાં ન આપણે મરીએં–

કોકનાં તે વેણ વીણી વીણીને, વીરા !
ઊછી—ઉધારાં ન કરીએં.

-મકરંદ દવે

સ્વરઃ વિરાજ બિજલ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

@Amit Trivedi