મુકદરના સિતારાની અસર

No Comments

મુકદ્દરના સિતારાની અસરની ઠેશ ના વાગે,
કે ધરતી પર મને આકાશ પરની ઠેશ ના વાગે…

નહીં તો ક્યાંય નહીં મળશે વિસામાની જગા એને,
જગતમાં કોઇને પોતાના ઘરની ઠેશ ના વાગે…

પ્રણયનો પંથ મે લીધો છે આંખોના ઇશારા પર,
મને આ આપની ચંચળ નજરની ઠેશ ના વાગે…

ચમનમાં કંટકો વાગે તો એ મંજૂર છે અમને,
શરત છે એટલી કે પાનસરની ઠેશ ના વાગે…

ભલા એ બેય વસ્તુ એક વખતે તો બને ક્યાંથી?
તને નિરખું ને તારી રેહગુઝરની ઠેશ ના વાગે…

– બરકત વિરાણી ‘બેફામ’

સ્વર : હેમા દેસાઈ
સ્વરાંકનઃ આશિત દેસાઈ

બાગમાં ટહુકો છળે તો શું કરું

No Comments

બાગમાં ટહુકો છળે તો શું કરું?
લાગણી ભડકે બળે તો શું કરું?

આપણા સંબંધની આ રિક્તતા,
જો બધે જોવા મળે તો શું કરું?

સાવ અણજાણ્યા અધૂરાં લોકમાં,
વાત તારી નીકળે તો શું કરું?

પ્યાસ લઈને આંખમાં પાછો ફરું,
આંખમાં મૃગજળ મળે તો શું કરું?

-મેઘબિંદુ

સ્વર: હેમા દેસાઈ
સ્વરાંકન: આશિત દેસાઈ

રે નયણાં રંગ રૂપાળાં…

No Comments

રે નયણાં રંગ રૂપાળાં
કમલ નહિ, નહિ હરિણ મીન સમ
અનુપમ રસ રઢિયાળાં રે

કાજળના નવ આંજયાં અંજન
તોયે કાળજાં રંજન રંજન
પલક ગંભીર પલક શા ચંચળ
૫લ નિજ પલક નિરાળાં રે

મીટ માંડતાં સરતાં શમણાં
મીંચુ પોપચાં ઉઘડે નમણાં
અધબીડયાં ખોલ્યાની મધુર૫
મન મોહે મરમાળાં રે

-પિનાકીન ઠાકોર

સ્વર : અલકા યાજ્ઞિક
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

સૌજન્ય : માલવ દિવેટિયા

તારી આરતીના લઈએ ઓવારણાં

No Comments

તારી આરતીના લઈએ ઓવારણાં રે મા….
આંગણમાં રમવા ઊતરો રે
અમે ખોલ્યાં છે હૈયાનાં બારણાં રે મા…..
આંગણમાં રમવા ઊતરો રે

તારી ધોળી ધજાનાં હેત નીતર્યાં રે મા
આંગણમાં રમવા ઊતરો રે
એવાં ચાંચર જઈને ચોક ચીતર્યાં રે મા….
આંગણમાં રમવા ઊતરો રે

દીપમાળાના દીપ મારી આંખડી રે મા …..
આંગણમાં રમવા ઊતરો રે
મારી ચામડી ચીરીને કરું ચાખડી રે મા……
આંગણમાં રમવા ઊતરો રે

તારી તાળીનાં તેજ ચૌદલોકમાં રે મા ….
આંગણમાં રમવા ઊતરો રે
ગરવા ગરબાની ગુંજ ઊઠે ચોકમાં રે મા ….
આંગણમાં રમવા ઊતરો રે

તારા ઊંચેથી ઊંચા પધરામણા રે મા….
આંગણમાં રમવા ઊતરો રે
કેમ ચડીએ અમે તો સાવ વામણા રે મા….
આંગણમાં રમવા ઊતરો રે

છેક પડવેથી આઠમની આરદા રે મા…..
આંગણમાં રમવા ઊતરો રે
મા, તું કાલી, ચામુંડા ‘ને શારદા રે મા ….
આંગણમાં રમવા ઊતરો રે

-સંજુ વાળા

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : ડો ભરત પટેલ

પનઘટ પાણી મુને જાવા દે

No Comments

પનઘટ પાણી મુને જાવા દે
હે મારગડો રોકમાં ઓ રે વાલમીયા
પનઘટ પાણી મુને જાવા દે જાવા દે
જળ ભરવાને જાવા દે

સોનાનું બેડલું ને રૂપાની ઈઢોળી
સોહામણી હું નાર નવેલી
સોળે શણગાર સજી નીસરી હું તો
પનઘટ પાણી મુને જાવા દે
જળ ભરવાને જાવા દે

જાઉં જળ ભરવા તો પૂઠે શાનો આવે
વગર બોલાવે શાને બેડલું ચડાવે
એકલી દેખીને મુને શું રે સતાવે
છોડ મારો છેડલો છેલજી રે
જળ ભરવાને જાવા દે

-પદમા ફડિયા

સ્વર : નિશા કાપડિયા
સ્વરાંકન : પરાશર દેસાઈ

Older Entries Newer Entries

@Amit Trivedi