ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું

No Comments

ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું,
હે હું તો નીસરી ભરબજારે જી..
હે લાજી રે મારું મારો સાહ્યબો ખોવાણો
કોને કહું આવી વાત્ય જી..
ઘૂંઘટે ઢાંક્યું રે..

ટોડલે ટોડલે મેં તો તોરણો બાંધ્યા,
મારી મેઢિયું ઝાકઝમાળ જી..
હે જોબન ઝરુખે રૂડી ઝાલાર્યું વાગે
ઝાંઝર ઘૂંઘર માળ જી..
ઘૂંઘટે ઢાંક્યું રે..

રાત ઢળી ને ઘેરા ઘડિયાળા વાગ્યા
અને પ્રાગડના ફૂટ્યાં દ્વાર જી..
હે તોય ના આવ્યો મારો સાયબો સલૂણો
જાગી આઠે રે પ્હોર જી..
ઘૂંઘટે ઢાંક્યું રે..

-અવિનાશ વ્યાસ

સ્વરઃ પરાગી અમર
સ્વરાંકન : અવિનાશ વ્યાસ

તે છતાં મારી તરસ…

No Comments

તે છતાં મારી તરસ તો ક્યાં કદી છીપી હતી,
આમ ઊભાઊભ મેં આખી નદી પીધી હતી.

પાંદડા ભેગાં કરીને જેમ દરજીડો સીવે,
એમ મેં તૂટી ગયેલી કૈંક ક્ષણ સીવી હતી.

આભ આખું એકદમ તૂટી પડ્યું તો શું થયું?
વેદના વરસાદની માફક અમે ઝીલી હતી.

ટ્રેન ઊભી હોય શબવત્ રાહમાં સંકેતની,
જિંદગી આખીય મારી એ રીતે વીતી હતી

ત્યારથી હું હર સમય મારા નશામાં હોઉં છું,
શૂન્યતાની એક પ્યાલી એમણે દીધી હતી.

-હર્ષ બ્રહ્મભટ્ટ

સ્વર : આલાપ દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ

ઝૂંટવી બીજાનો ગુલમ્હોર

No Comments

ઝૂંટવી બીજાનો ગુલમ્હોર નહીં લઈએ
આપણે હો બાવળ તો એની હેઠ રહીએ

ક્યાં રહીએ એની વડાઇ નથી કાંઈ
રહીએ કઈ રીતે એનો મહિમા છે આંહી

પારકાનો વૈભવ ને પારકાનું સુખ
નરવી નજરુંથી જુએ એને શાં દુ:ખ ?

ઊંઘ દિયે તે ભોંને સુખશય્યા કહીએ !

પારકાંને પોતીકાં કરવાની ટેક-
હોય એ પહોંચે શિખર સુધી છેક

દરવાજા આપણા ના રાખીએ જો બંધ
બીજાના બાગની પમાય તો સુગંધ

ઉમળકો સમભાગે સૌને દઈ દઈએ !

-રમેશ પારેખ

સ્વરઃ સુરેશ જોશી અને નેહા પારેખ
સ્વરાંકન : સુરેશ જોશી

સૌજન્ય :સંજય રાઠોડ સુરત

એ તો ગયા પણ…

No Comments

એ તો ગયા, પણ એમના ચહેરા રહી ગયા
લાગ્યા કરે છે કે એ જવાનું ભૂલી ગયા

નિસ્તબ્ધતા વિરહની હવામાં ભળી ગઇ
ચહેરાના ભાવ પર્ણની રેખા બની ગયા

જે શબ્દ રહી ગયા’તા ગયામાં બરફ થઇ
વાતાવરણમાં ઓગળી પડઘા થઇ ગયા

સંતાઇ ગઇ છે ઓરડામાં ક્ષણ વિદાયની
ઘરમાં સમયની વાંસના ફોડાં ઉગી ગયા

કોઇ ગયું છે એ છતાં કોઇ નથી ગયું,
ખાલીપણાના ભારમાં પગ ઉપડી ગયા

-જવાહર બક્ષી

સ્વર : કૌમુદી મુન્શી
સ્વરાંકન : નીનુ મઝુમદાર

નમતું દીઠું નેણ-તરાજૂ

8 Comments

નમતું દીઠું નેણ-તરાજૂ,
ઓછું અદકું કોણ કરે અબ થોડું ઝાઝૂં

સવા વાલનું પલ્લુ ભારી
હેત હળુવાળીથી હળવા પળમાં તો ગોવર્ધન ધારી
લોક અવાચક ધારી ધારી નિરખે ઊભું આજૂ બાજૂ

અક્ષય પર અક્ષય ઓવારી
આપે આપ ઊભા પરવારી કોણ રહ્યું કોના પર વારી?
આઘું ઓરું કોણ કરે અબ સાવ અડોઅડ હું જ વિરાજૂ

-રાજેન્દ્ર શુક્લ

સ્વરઃ અમર ભટ્ટ
સ્વરાંકન :અમર ભટ્ટ

Older Entries Newer Entries

@Amit Trivedi