મ્હેંકનો મૃદુ ભાર..

Comments Off on મ્હેંકનો મૃદુ ભાર..

 

 

મ્હેંકનો મૃદુ ભાર, ભીની સ્હેજ ઝૂકી ડાળ, સપનાં,
નિષ્પલક પળની પરી, તે જોઈ રહેતો કાળ, સપનાં.

લાલ, પીળી, કેસરી, નીલી, ગુલાબી ઝાળ, સપનાં,
હું, તમે, ઉપવન, વસંતોનું રૂપાળું આળ સપનાં.

એક લટને, લ્હેરખીને લ્હેરવું નખરાળ, સપનાં.
ને પલકનું પાંખડી સમ ઝૂકવું શરમાળ, સપનાં.

હા, હજુ થાક્યાં ચરણને કોક વેળા સાંભરે છે,
આભને ઓળંગતી એ સ્વર્ણમૃગની ફાળ સપનાં.

જિંદગીને લક્ષ્ય જેવું તો કશું આમે હતું ના,
મદછકેલાં ત્યાં મળ્યાં એ, સાવ અંતરિયાળ સપનાં !

– રાજેન્દ્ર શુકલ

સ્વર : બંસરી યોગેન્દ્ર
સ્વરાંકન : હરેશ બક્ષી

જિયો જિયો જી….

Comments Off on જિયો જિયો જી….

જિયો જિયો જી
ગુરૂ, જિયો જિયો
મને ગોરખજ્ઞાન દિયો .

જ્ઞાનકટોરૂ ગુરૂ, દીધું મારા હાથમાં,
હેતે કીધું, પિયો પિયો.
અમરત એનું પી ગયો, તોય
હજી અંધારો રિયો રિયો
મને ગોરખજ્ઞાન દિયો.

જાળવણી કરૂં જ્ઞાનની એવી
કૂંચી કોઈ કિયો કિયો.
સરદ એવો સદૂગુરૂએ સંભળાવ્યો
હરિચરણમાં રિયો રિયો
મને ગોરખજ્ઞાન દિયો

-‘સરોદ ‘

સ્વરઃ આશિત દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા

સૌજન્ય : માલવ દિવેટિયા

જમુનાના જળ…

Comments Off on જમુનાના જળ…

ગાર્ગી વોરા

જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
તીરથ ને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાંખ.

રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા
તંઈ જંઈ એક મોરપિચ્છ રંગાયું,
હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા કંઈ ઘેલીએ,
એ દિ’ આ વાંસળીએ ગાયું,
મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર, સખી ! સાંખી શકે તો જરી સાંખ !
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !

ગોધૂલિવેળાની ડમરીમાં ડૂબકી દઈ
આયખું ખૂંદે છે ખાલીખમ પાદર;
રાહનાં રૂંવાડાને ઢાંકવા પડે છે કમ
આ ચોર્યાસી લાખ તણી ચાદર.
છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !

– વિવેક મનહર ટેલર

સ્વર :ગાર્ગી વોરા
સ્વરાંકન : મેહુલ સુરતી

અમે રે ચંપો ને અમે કેળ

Comments Off on અમે રે ચંપો ને અમે કેળ

અમે રે ચંપો ને તમે કેળ
એક રે ક્યારામાં દોનો રોપિયા

તમે રે ચંપો ને અમે કેળ
એક રે ક્યારામાં દોનો રોપિયા,
આપણ એક રે ક્યારામાં દોનો રોપિયા

ચાંદા સરિખું મુખડું તમારું
ચંપા તે વરણી છે કાય રે
અળગા રહીને સોહંતા રૂપને
માણું તો માણ્યું ન જાય

ઉપરથી ઉજળા અને ભીતર ઘારી આગ
પણ અજવાળે જ્યોતિ ઓરડા
જેને અડતા લાગે દાગ

તમે રે મોતી ને અમે છીપ

વચને કીધા રે અમને વેગળા
જો ને
વચને કીધા રે અમને વેગળા

જુગની પુરાણી પ્રિત્યું રે અમારી
મળ્યો રે ભવોભવનો સાથ
તરસે છે આજે મળવાને કાજે
મેંદી રે મુકેલો મારો હાથ

ભવભવનો સાથી આપણે
તો યે જોને કેવો છે સંજોગ
એક રે બાજુ છે જોગ તો
જોને બીજી પર વિયોગ

તમે રે દીવો ને અમે વાટ
જ્યોત રે વિનાના દોનો ઝૂરતા

તમે રે ચંપો ને અમે કેળ
અમે રે ચંપો ને તમે કેળ
એક રે ક્યારામાં દોનો રોપિયા

તમે રે ચંપો ન અમે કેળ…

-કાંતિ અશોક

સ્વર : પ્રફુલ્લ દવે, અનુરાધા પૌંડવાલ
સ્વરાકંન : મહેશ,નરેશ

દરિયા ને જોઈ હું તો…

Comments Off on દરિયા ને જોઈ હું તો…

દરિયાને જોઇ હું તો દરિયો થઇ જાઉં
મને દરિયો દેખાય તારી આંખમાં
દરિયાનો દેશ પછી દરિયાનો વેશ પછી
દરિયો રેલાય મારી આંખમાં દરિયાને જોઇ

છીપલામાં સદીઓથી કેદ થઇ
સૂતેલા દરિયાને સપનું એક આવ્યું
બાઝેલી લાગણીની પીળી ખારાશ લઇ
માછલીને મીઠું જળ પાયું
માછલીની વાત હોય સાચી સાચી ને
એક સપનું ઘેરાય તારી આંખમાં દરિયાને જોઇ

ઓળઘોળ મોજાં ને ઓળઘોળ ફીણ પછી
ઓળઘોળ અંકાતી રેતી
ઝુકેલી ડાળખીને સાન-ભાન-માન નહીં
દરિયામાં વાત થઇ વ્હેતી વ્હેતી
એ વાત બની વાંસળીના સૂર
મોરપિઁછુ લહેરાય તારી આંખમાં
દરિયાને જોઇ હું તો દરિયો થઇ જાઉં..

– પ્રફુલ્લા વોરા

સ્વર : પ્રિતી ગજ્જર
સ્વરાંકન : ડો ભરત પટેલ

Older Entries Newer Entries

@Amit Trivedi