અમે બરફના પંખી રે

Comments Off on અમે બરફના પંખી રે

અમે બરફના પંખી રે ભાઈ,
ટહુકે ટહુકે પીગળ્યાં

લૂમાં તરતો ઘોર ઉનાળો અમે ઉઘાડે ડિલે
ઓગળતી કાયાનાં ટીપાં કમળપાંદડી ઝીલે
ખરતાં પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યાં!
અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં

લીલાં-સૂકાં જંગલ વચ્ચે કાબરચીતરાં રહીએ
નભમાં ઊડતાં સાંજ પડે તો સોનલવરણાં થઈએ
રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં

-અનિલ જોશી

સ્વરઃ શ્યામલ મહેતા
સ્વરાંકન : રદ્રદત્ત ભટ્ટ
સંગીતઃ નિરવ – જ્વલંત

સૌજન્ય : સંજય રાઠોડ સુરત

એક સથવારો સગપણનો

Comments Off on એક સથવારો સગપણનો

 

 

એક સથવારો સગપણનો
મારગ મજીયારો બે જણનો

આંખલડીના દીવા રે દીવા અજવાળાં અજવાળાં
વાંસલડીના ટહુકા રે ટહુકા પરવાળાં પરવાળાં

એક અણસારો ઓળખનો
એક ઝબકારો એક ક્ષણનો

ખબર નથી પણ અમથું અમથું લાગે વ્હાલું વ્હાલું
મેઘ ધનુષની જાદુઈ રંગત , શું ઝીલું શું ઝાલું

એક ધબકારો રુદિયાનો
એક પલકારો પાંપણનો

સપનાની સંગતથી કેવું આખું ગગન ગુલાબી
ગુલાલની ગલીઓમાં ચાલો શું જમણી શું ડાબી

એક ફણગો છે ફાગણનો
એક તણખો છે શ્રાવણનો

– વેણીભાઈ પુરોહિત

સ્વર : આશિત દેસાઈ અને હેમા દેસાઈ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

કાયાની કટોરી મારી..

Comments Off on કાયાની કટોરી મારી..

 

 

કાયાની કટોરી મારી અમૃત ભરેલી રામ અમૃત ભરેલી.
કિયે રે ડુંગરથી એની માટિયું ખોદિયું
ને કિયે રે પાણીએ પલાળી રામ
અમૃત ભરેલી

કિયે રે પગથી એનાં કાદવ કચરાણાં ને
કિયે રે ચાકડે ઉતારી રામ ?
અમૃત ભરેલી

કિયે રે હાથે એનાં ઘાટ ઘડાયાં ને
કિયે ૨ ટીપણે ટીપાણી રામ?
અમૃત ભરેલી

કિયે રે વાયુએ એની આગ્યું રે ફૂકિયું ને
કિયે રે નિંભાડે ઈ ઓરાણી રામ
અમૃત ભરેલી

કિયે રે સમદરથી લીધાં અમરતના બિંદુડાને
કઈ રે ઝારીએ સીંચાણી રામ
અમૃત ભરેલી

-બાદરાયણ

 

સ્વરઃ રાસબિહારી દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટીઆ

@Amit Trivedi