એક ચહેરો તરવરે…

Comments Off on એક ચહેરો તરવરે…

એક ચહેરો તરવરે કાગળ ઉપર,
ને ઉદાસી અવતરે કાગળ ઉપર.

સ્વપ્ન જે સળગી રહ્યું છે આંખમાં,
રાખ બસ, એની ખરે કાગળ ઉપર.

કો’ક મારામાંથી નીકળીને પછી,
મારો પીછો આદરે કાગળ ઉપર.

એ વફાનું બેસણું રાખે, અને-
એક-બે ફૂલો ધરે કાગળ ઉપર.

-હિમલ પંડ્યા

સ્વર : શૌનક પંડ્યા
સ્વરાંકન : શૌનક પંડ્યા

તોફાનને સમર્પી…

Comments Off on તોફાનને સમર્પી…

તોફાનને સમર્પી અણછાજતી મહત્તા,
તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે;
હોડીનું એક રમકડું તૂટ્યું તો થઇ ગયું શું?
મોજાની બળહઠ છે સાગર ક્ષમા કરી દે.

હર શ્વાસ એક મુસીબત, હર શ્વાસ એક વિમાસણ
પળ પળની વેદનાઓ, પળ પળની યાતનાઓ;
તારું દીધેલું જીવન મૃત્યુ સમું ગણું તો,
મારી એ ધૃષ્ટતાને ઈશ્વર ક્ષમા કરી દે.

કાંટો છે લાગણીનો, વજનો છે બુદ્ધિ કેરાં,
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ,
હે મિત્ર તારા દિલનો પણ તોલ મેં કર્યો છે,
આવે છે એની તોલે પથ્થર ક્ષમા કરી દે.

-શૂન્ય પાલનપુરી

સ્વર : પાર્થિવ ગોહિલ

સ્વરાંકનઃ ગૌરાંગ વ્યાસ

નાની નકામી વાતમાં..

Comments Off on નાની નકામી વાતમાં..

કિશોર બારોટ

નાની નકામી વાતમાં શાને બબાલ કર,
જગને વ્હાલ કર અને જીવતરને ન્યાલ કર.

એમાં ખુદાઈ મ્હેંકને પામી શકીશ તું,
કોઈના આંસુ લૂંછીને ભીનો રૂમાલ કર.

ભૂખ્યું તો નહીં હોયને પાડોશમાં કોઈ?
ભાણા ઉપર તું બેસતાં પહેલાં ખયાલ કર.

પીડાભર્યાં જગતમાં સુખ નિરાંત કાં મને?
ક્યારેક તો પ્રભુને તું એવો સવાલ કર.

દુનિયા નથી કુરુપ, એ છે ચાહવા સમી,
તારી નજરના મેલનો પહેલાં નીકાલ કર.

-કિશોર બારોટ

સ્વર : અરવિંદ ગોસ્વામી
સ્વરાંકન : અરવિંદ ગોસ્વામી

ફરી આંખ કાં સજલ

Comments Off on ફરી આંખ કાં સજલ

ફરી આંખ કાં સજલ
ગીત લખું કે ગઝલ

કોણ ફરી આવીને ઊભું, બંધ કલમને દ્વારે
જીવ પૂછે છે અડધી રાતે, કોણ હશે અત્યારે ?
આ કોણ કાપતું મજલ
ગીત લખું કે ગઝલ

કોણ ફરી પગલીઓ પાડે, કાગળના આંગણામાં
નકકી કોઈ હશે પ્રગટતું કવિ નામના જણમાં
આ કોણ આટલું સરલ
ગીત લખું કે ગઝલ!

હું જ લખું છું એ વિશે તો, મનેય પડતો શક
કો’ક લખાવી જાય છે ને, માનું મારો હક
(તો) થશે કો’ક દી ટસલ
ગીત લખું કે ગઝલ!

-મુકેશ જોશી

સ્વર : ઝરણા વ્યાસ
સ્વરાંકન : ઉદયન મારુ

અમે સૂતા ઝરણા ને

Comments Off on અમે સૂતા ઝરણા ને

અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
અમે વનવનનાં પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું કંઇ સેંથીની વાટે, લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,
ઉરે આંસુ પછવાડે હીંચતું, ને સપનાં સીંચતું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

-ઉમાશંકર જોશી

સ્વરઃ વિરાજ અને બીજલ ઉપાધ્યાય

Older Entries

@Amit Trivedi