ફરી આંખ કાં સજલ

No Comments

ફરી આંખ કાં સજલ
ગીત લખું કે ગઝલ

કોણ ફરી આવીને ઊભું, બંધ કલમને દ્વારે
જીવ પૂછે છે અડધી રાતે, કોણ હશે અત્યારે ?
આ કોણ કાપતું મજલ
ગીત લખું કે ગઝલ

કોણ ફરી પગલીઓ પાડે, કાગળના આંગણામાં
નકકી કોઈ હશે પ્રગટતું કવિ નામના જણમાં
આ કોણ આટલું સરલ
ગીત લખું કે ગઝલ!

હું જ લખું છું એ વિશે તો, મનેય પડતો શક
કો’ક લખાવી જાય છે ને, માનું મારો હક
(તો) થશે કો’ક દી ટસલ
ગીત લખું કે ગઝલ!

-મુકેશ જોશી

સ્વર : ઝરણા વ્યાસ
સ્વરાંકન : ઉદયન મારુ

અલી તારું હૈયું કેસુડાનું ફૂલ

No Comments

અલી તારું હૈયું કેસૂડાનું ફૂલ
હેજી… વ્હાલપને ને વગડે શું ઝબકયું ગોકુળ
ઓલ્યું કેસૂડાનું ફૂલ
અલી તારું હૈયુ કેસૂડાંનું ફૂલ

ફાગણિયા ને ફેંટે દીઠું કેસૂડાનું ફૂલ
હેજી… આંટે આંટે અટવાનું હૈયું થાનું ડૂલ
ઓલ્યું કેસૂડાનું ફૂલ
અલી તારું હૈયું કેસૂડાનું ફૂલ

પ્રીતિની પાંદડીને કેસૂડાનો રંગ
હેજી….. ફેરમ એની ફરકંતી, નાહોલિયાની સંગ
હેજી….. જોબનિયું જાગ્યું રે એનું વણમાંગ્યું લો મૂલ
ઓલ્યું કેસૂડાંનું ફૂલ
અલી તારું હૈયું કેસૂડાનું ફૂલ.

-ભાસ્કર વોરા

સ્વર : હંસા દવે
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

અમે સૂતા ઝરણા ને

No Comments

અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
અમે વનવનનાં પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું કંઇ સેંથીની વાટે, લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,
ઉરે આંસુ પછવાડે હીંચતું, ને સપનાં સીંચતું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

-ઉમાશંકર જોશી

સ્વરઃ વિરાજ અને બીજલ ઉપાધ્યાય

કદી તું ઘર તજી ને

No Comments

કદી તું ઘર તજી ને રે
વગડે લીલા ઘાસમાં ઉગ્યા ફૂલ ઉડેલી ધૂળમાં તારી જાત ને ખો ને રે …

સુખ મોટું કે નામ નથી કાંઈ રે ,
બાગ બગીચા ગામ નથી કાંઈ રે ,
આવ અહીં તું ઊગવું અને તડકા છાયા રમવા સિવાય કામ નથી કાંઈ ;
અમે છૈ એમ તું હોને રે…

કેટલા સૂરજ કેટલા ચાંદા,
ગણવા તારે કેટલા દહાડા,
સાંપડ્યો સમય પગથી માથાબોળ જીવી લે, ગણવા જા માં ટેકરા ખાડા રે ;
જાગ્યો તો એમ તું સોને રે..

-ધ્રુવ ભટ્ટ

સ્વર : મેઘા ભટ્ટ અને શ્યામલ ભટ્ટ
સ્વરાંકન : શ્યામલ ભટ્ટ
સંગીતઃ કે. સુમંત

પ્રણયની પારખુ દર્ષ્ટિ

No Comments

એ સામે હોત ને અગર બીડાઈ ગઈ હોતે,
તો મારા સ્વપ્ન રૂપે ભાગ્યદેવી જાગતી હોતે

ફરી તાપી કિનારે જો મહોબ્બત લઈ ગઈ હોતે,
તે એ નિર્મળ નદીના જળ ઉભયની આરસી હોતે

પ્રણયની પારખુ દૃષ્ટિ અગર તમને મળી હોતે,
તમે મારી છબી ભીતે નહીં, દિલમાં જડી હોતે.

મજા આવી હતી જો આટલી દિવાનગી હોતે,
કે મારી દૃષ્ટિમાં આખું જગત તારી ગલી હોતે.

જવાબ એના રૂપાળા આવશે જો ખાતરી હોતે,
તે મેં પણ કં’ક દિલની વાત ગઝલોમાં કહી હોતે.

મહોબ્બત આંધળી છે એ કહેવત સાવ ખોટી છે,
તમારા દ્વાર પર ના હોત જો એ આંધળી હોતે.

જગતમાં પણ કરી લેતે ફરીશ્તા એને સજદાઓ
જો સાચા અર્થમાં આદમી નો વારસ આદમી હોતે.

ઘણા પ્રેમી દિલો નું થાત સર્જન એવી માટી થી,
તમે આંસુ થી જે મારી અકબરને ભીંજવી હોતે

જો મડતે તારી ઝુલ્ફો નો સહારો મારી રાતોને,
તો મારા પણ જીવનમાં ચાંદ હોતે, ચાંદની હોતે.

કરી દેતે અદબથી આ ગઝલ હું એમને અર્પણ,
સભામાં આજ “શયદા”ની જો “આસિમ” હાજરી હોતે.

કનૈયા થી ય કઈ ન્યારી પ્રણય લીલા તમે જોતે
કલમ બદલે અગર “આસિમ” ના કરમાં બંસરી હોતે.

-આસિમ રાંદેરી

સ્વર : મનહર ઉધાસ
સ્વરાંકન : મનહર ઉધાસ

Older Entries Newer Entries

@Amit Trivedi