પ્રેમને વિસ્તરવાનું
Jan 20
પ્રેમને વિસ્તારવાનું સહેજ પણ સ્હેલું નથી,
ને ધૃણાને નાથવાનું સહેજ પણ સ્હેલું નથી.
પ્રશ્ન ઊભો એક મારો જ્યાં હવે અસ્તિત્વનો,
ત્યાં તને આકારવાનું સહેજ પણ સ્હેલું નથી.
ભીતરે ડૂમો છુપાવી ક્યાં સુધી હસવું ભલા ?
રોતી આંખે બોલવાનું સહેજ પણ સ્હેલું નથી.
આંગળી પકડી ઉછેર્યા ને સીંચ્યું જળ પ્રેમનું,
છોડ એ ઊખેડવાનું સહેજ પણ સ્હેલું નથી.
દુશ્મનોની ભીડમાં એક મિત્રને જોયા પછી,
મિત્રતા નિભાવવાનું સહેજ પણ સ્હેલું નથી.
ક્યાં છે અઘરું ન્યાય કરવો આંખે પાટા બાંધીને ?
જુલ્મને સહેતા જવાનું સહેજ પણ સ્હેલું નથી.
-પ્રજ્ઞા વશી
સ્વર : પાર્થિવ ગોહિલ
સ્વરાંકન : મેહુલ સુરતી
મારે કંઈક કહેવું છે