ફૂલ ખીલ્યું ને ઉપવનમાં

No Comments

ફૂલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું
ભમરાઓ તો મનમાં ગુંજે ગીત ગહન, મરમાળું

વાસંતી સંદેશો લઈ
મન ઊડે આમ ને તેમ
દિશ દિશમાં સુગંધી સૂરજ
છલકાવે છે પ્રેમ

કંઠ છલકતી કોયલને હું કેમ કરી સંભાળું?
ભમરાઓ તો મનમાં ગુંજે ગીત ગહન, મરમાળું

આપણ ક્યાંયે જવું નથીજી
ઊડે સૂર-ગુલાલ
એકમેકની રંગે-સંગે
આપણ ન્યાલમન્યાલ

આંખોમાં રેશમિયા મનનાં સપનાંને પંપાળું
ભમરાઓ તો મનમાં ગુંજે ગીત ગહન, મરમાળું

-પન્ના નાયક

સ્વર : સૌનક સુથાર, ઝરણા વ્યાસ

આ સફર છે…

No Comments

આ સફર છે નશીલી આ સમય છે સૂરીલો
આ જગા લોક આ હા, નજરમાં ભરી લો
આ સમય છે સૂરીલો હા, નજરમાં ભરી લો

બાઈકથી રિક્ષામાં રિક્ષાથી આ બસમાં બેઠાં
રસ્તો જો ભૂલ્યાં તો શેરીથી ગલીઓમાં પેઠાં
કઈ ખાસ છે ઝક્કાસ છે આ દુનિયા
આ સફર છે નશીલી આ સમય છે સૂરીલોઆ જગા લોક આહા, નજરમાં ભરીલો

મદહોશી મસ્તીની આખોમાં, બેહોશી મનમાં
હૈયામાં હલચલ ને આ ચંચલતા હરપલ તનમાં
તારી નજરથી આ નગર.. બસ જલસા!
આ સફર છે નશીલી
આ સમય છે સૂરીલો
આ જગા લોક આ હા નજરમાં ભરી લો

-રઈશ મનીઆર

સ્વરઃ પાર્થિવ ગોહિલ , ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકન : મેહુલ સુરતી
સંગીત : મેહુલ સુરતી

એક અણસારનો પડદો છે

No Comments

એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે
રોજ બત્તીનો સમય છે અને અંધારું છે.

ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી
ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે

ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે
ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે

કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં
સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે

આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે
અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે.

– જવાહર બક્ષી

સ્વર: હેમા દેસાઈ
સ્વરાંકનઃ : પુરુષોત્તમ ઉપાધ્યાય

ઢળી સાંજ ને આજ ઊતરી છે રાત…

No Comments

ઢળી સાંજ ને આજ ઊતરી છે રાત
છે કોફી ને ઝૂલો , નથી કોઇ પાસ
અંધારું બેઠું છે સામે ઉદાસ
છે હૈયામાં સ્મરણોનો આછો ઉજાસ
ન મ્હેકી ચમેલી, ન જૂઇ , ન જાઇ
સુગંધોય આજે ગઇ છે લપાઇ

/ સંભળાતી નથી લગ્ન કેરી શરણાઇ
મારે તનેકહેવી છે દિલની સચ્ચાઇ

આ સૂની ગલી સૂતી પીળા પ્રકાશે
દીસે સઘળું ઝાંખુ એ આછા ઉજાસે

આ આંસુ ને આંખોનો સંવાદ ચાલે
ફરી આજ તારી મને યાદ આવે

સ્હેજે નહીં થવા દઉં હવે આજ મોડું
નક્કી કર્યું છે કે ફોન તને જોડું.
આવે છે મને માત્ર તારા વિચાર
કહેવાં છે મારે તને શબ્દો બસ ચાર
જાણે છે , મારે તને કહેવું છે શું ?
કહેવું છે , હેલો ! તને ચાહું છું હું

ન પૂનમ શરદની , ન ઋતુ પાનખરની
ન મહેકે બગીચા, નથી હૂંફ ઘરની
ન રંગો, પતંગો , ઉમંગો ન કોઇ
ન ગરબો ઘૂમે , ઢોલ છેડે ન ઢોલી
ન મેળા, ન પાવા,ન ચગડોળ ઘૂમે
ન રાસે રમે કોઇ , મસ્તીમાં ઝૂમે
કશુંયે નવું નહીં, નથી કોઇ કારણ
તો આંસુ આ આવ્યાં હશે શું અકારણ ?
સમય જાય સરતો, અને ઝૂલે ઝૂલો
મને યાદ આવે , કરી જે મેં ભૂલો

સ્હેજે નહીં થવા દઉં હવે આજ મોડું
નક્કી કર્યું છે કે ફોન તને જોડું.
આવે છે મને માત્ર તારા વિચાર
કહેવાં છે મારે તને શબ્દો બસ ચાર
જાણે છે , મારે તને કહેવું છે શું ?
કહેવું છે , હેલો ! તને ચાહું છું હું

-તુષાર શુક્લ

સ્વરઃ સોલી કાપડીયા
સ્વરાંકન : સોલી કાપડીયા

( આ ગીત લખાયું ને ગવાયું એમાં થોડાક શાબ્દિક ફેરફાર છે. )

બીજા તે રંગ બધા મનના તરંગ

No Comments

બીજા તે રંગ બધા મનના તરંગ
તારી ઓઢણીનો રંગ એ જ સાચો

હોય લીલો જાંબુડી કે કેસરી ગુલાબી
મારે તો મન એ જ પાકો

મેઘધનુષના રંગો રળિયામણા
રૂડી પતંગિયાની પાંખો

ઉષા અલબેલી ને સંધ્યા મનોહર
તારલાની થાય લાખ વાતો

મારે તો મને એ સૌ છે પારકા
મારે તો બસ એક નાતો

ઓઢણીની આંગળીને પકડી જે ચાલે
મારે તો મન એ જ પાકો

-સૈફ પાલનપૂરી

સ્વર : પાર્થિવ ગોહિલ
સ્વરાંકન : પાર્થિવ ગોહિલ

Older Entries

@Amit Trivedi