હવે મળશું તો સાંજના સુમારે

Comments Off on હવે મળશું તો સાંજના સુમારે

 

 

હવે મળશું તો સાંજના સુમારે
આથમતો સૂરજ હો આછો હો ચંદ્રમા
અવનિના એવા ઓવારે!

પગલાંમાં સ્હેજે ઉતાવળ ના હોય અને
અમથો યે ના હો ઉચાટ,
એવો ઉમંગ ચડે દિલને દુવાર
જાણે ઝૂલ્યાં કૈં હિંડોળા-ખાટ;
ચાંદનીના પડછાયા આંખોમાં વિસ્તરતા
ઝાળઝાળ અગનિને ઠારે!… હવે

પોતાની આંખોમાં સુખનો સૂરજ લઇ
પંખીઓ ફરવાનાં પાછાં,
એકાદી ડાળે કોઈ એકાદા માળામાં
ઊતરશે અંધારાં આછાં;
આપણે તો ખીલવાનું મોગરાની જેમ
અને રહેવાનું ક્યારાની ધારે! … હવે

-હર્ષદ ત્રિવેદી

સ્વર : પ્રાચી શાહ
સ્વરાંકન : અમર ભટ્ટ

પ્રેમળ જ્યોતિ તારો દાખવી

Comments Off on પ્રેમળ જ્યોતિ તારો દાખવી

 

:

 

પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવનપંથ ઉજાળ
દૂર પડ્યો નિજ ધામથી હું ને
ઘેરે ઘન અંધકાર
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં
નિજ શિશુને સંભાળ
મુજ જીવનપંથ ઉજાળ

ડગમગતો પગ રાખ તું સ્થિર
મુજ દૂર નજર છો ન જાય
દૂર માર્ગ જોવાને લોભ લગીર ના
એક ડગલું બસ થાય
પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવનપંથ ઉજાળ

આજ લગી રહ્યો ગર્વમાં હું
ને માગી મદદ ન લગાર
આપ બળે માર્ગ જોઈને ચાલવા
હામ ધરી મૂઢ બાળ
હવે માગું તુજ આધાર
પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવનપંથ ઉજાળ

ભભકભર્યાં તેજથી હું લોભાયો
ને ભય છતાં ધર્યો ગર્વ
વીત્યાં વર્ષો ને લોપ સ્મરણથી
સ્ખલન થયાં જે સર્વ
મારે આજ થકી નવું પર્વ
પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવનપંથ ઉજાળ

તારા પ્રભાવે નિભાવ્યો મને
પ્રભુ આજ લગી પ્રેમભેર
નિશ્વે મને તું સ્થિર પગલેથી
ચલવી પહોંચાડશે ઘેર
દાખવી પ્રેમળ જ્યોતિની સેર
પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવનપંથ ઉજાળ

કર્દમભૂમિ કળણ ભરેલી
ને ગિરિવર કેરી કરાડ
ધસધસતા જળ કેરા પ્રવાહો
સર્વ વટાવી કૃપાળ
મને પહોંચાડશે નિજ દ્વાર
પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવનપંથ ઉજાળ

રજની જશે ને પ્રભાત ઊજળશે
ને સ્મિત કરશે પ્રેમાળ
દિવ્યગણોનાં વદન મનોહર
મારે હ્રદયે વસ્યાં ચિરકાળ
જે મેં ખોયાં હતાં ક્ષણવાર
પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવનપંથ ઉજાળ

-નરસિંહરાવ દિવેટિયા

સ્વર : મધુરીબેન ખરે

જંત્રી જંત્ર અનુપમ બાજે

Comments Off on જંત્રી જંત્ર અનુપમ બાજે

 

 

જંત્રી જંત્ર અનુપમ બાજે
જા કે અષ્ટ ગગન ધૂન ગાજે…..જંત્રી જંત્ર

મુખકે નાલ, શ્રવનકે તુંબા
સતગુરૂ સાજ બનાયા
જિભ્યા કે તાર નાસિકા કર હે
માયા કે મોમ લગાયા
તું હી તુંહી ગાજે, તું હી તું હી બાજે
તુંહી લિયે કર ડોલે. … જંત્રી જંત્ર

એક નાદ સે રાગ છતીસો
અનહદ બાની બોલે
જંત્રી બિના જંત્ર ના બાજે
બાજે સોઈ બજાવે
કહે કબિર કાઇ , સંત જૌહરી
જંત્રી સે મન લાગે … જંત્રી જંત્ર

-કબીર

સ્વર : વિરાજ ઉપાધ્યાય અને બિજલ ઉપાધ્યાય
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

કૈં ઈશ્વરની જેવું મળે ક્યાંક તમને

Comments Off on કૈં ઈશ્વરની જેવું મળે ક્યાંક તમને

 

 

કૈં ઈશ્વરની જેવું મળે ક્યાંક તમને,
હો મંદિર કે રસ્તે, એને ઊજવી લો,
ને માણસની જેવું કળે છાતીએ જો,
વધાવી લો ફૂલે, એને ઉજવી લો.

ફરક આપણામાં બહુ નાનકડો અમથો,
તું તોળીને બોલે, હું બોલીને તોળુ,
ખુલાસાઓ ઓસરતા જાય પછીથી,
જે ખામોશી ઊઘડે એને ઉજવી લો.

જે આપણને મૂકીને ચાલ્યા ગયા છે
એનો ગમ ઉઠાવીને ક્યાં સુધી જીવશું?
એ સંભવ છે પૂરો જૂનું જે ગયું છે,
નવા નામે મળશે, એને ઉજવી લો.

થવાકાળ ભેગાં થયાં આપણે સૌ,
થવાકાળ છુટ્ટા પણ પડતા જવાના,
આ મૂડીમાં મુઠ્ઠીભર સ્મરણો બચ્યાં છે,
એ આંખે વળગશે, એને ઉજવી લો.

હો મીરાંનાં ગીતો કે ગાલિબની ગઝલો,
કે પરવીનની ખિન્ન કરતી અછાંદસ,
પ્રકારોના વળગણને બાજુએ મૂકી,
હૃદયને જે સ્પર્શે એને ઊજવી લો.

-હિતેન આનંદપરા

સ્વર : આલાપ દેસાઈ
સ્વરાંકનઃ આલાપ દેસાઈ

તારી આરતીના લઈએ ઓવારણાં રે મા….

Comments Off on તારી આરતીના લઈએ ઓવારણાં રે મા….

 

 

તારી આરતીના લઈએ ઓવારણાં રે મા….
આંગણમાં રમવા ઊતરો રે
અમે ખોલ્યાં છે હૈયાનાં બારણાં રે મા…..
આંગણમાં રમવા ઊતરો રે

તારી ધોળી ધજાનાં હેત નીતર્યાં રે મા
આંગણમાં રમવા ઊતરો રે
એવાં ચાંચર જઈને ચોક ચીતર્યાં રે મા….
આંગણમાં રમવા ઊતરો રે

દીપમાળાના દીપ મારી આંખડી રે મા …..
આંગણમાં રમવા ઊતરો રે
મારી ચામડી ચીરીને કરું ચાખડી રે મા……
આંગણમાં રમવા ઊતરો રે

તારી તાળીનાં તેજ ચૌદલોકમાં રે મા ….
આંગણમાં રમવા ઊતરો રે
ગરવા ગરબાની ગુંજ ઊઠે ચોકમાં રે મા ….
આંગણમાં રમવા ઊતરો રે

તારા ઊંચેથી ઊંચા પધરામણા રે મા….
આંગણમાં રમવા ઊતરો રે
કેમ ચડીએ અમે તો સાવ વામણા રે મા….
આંગણમાં રમવા ઊતરો રે

છેક પડવેથી આઠમની આરદા રે મા…..
આંગણમાં રમવા ઊતરો રે
મા, તું કાલી, ચામુંડા ‘ને શારદા રે મા ….
આંગણમાં રમવા ઊતરો રે

-સંજુ વાળા

સ્વર : પિયુષ દવે
સ્વરાંકન : ડો ભરત પટેલ

Older Entries

@Amit Trivedi