આવી શકે તો આવ

Comments Off on આવી શકે તો આવ

 

 

આવી શકે તો આવ, આ વરસાદી સાંજ છે;
છત્રી વગર  ઝુકાવ, આ  વરસાદી  સાંજ છે.

કાગળ ઘણા   લખ્યા છે પરસ્પરને આપણે;
એની  બનાવ  નાવ,  આ વરસાદી સાંજ છે.

માટીની    મ્હેક તારી તરફ તો   ઘણી  હશે;
સાથે તું લેતી આવ, આ વરસાદી સાંજ છે.

થોડી   જ   વારે   મેઘધનુ   ખીલી   ઊઠશે;
ગજરે તું એ ગૂંથાવ, આ વરસાદી સાંજ છે.

નેવાં છલી  ઊઠ્યાં છે ને  વૃક્ષો   ટપક-ટપક;
સંતૂર  તું   બજાવ, આ  વરસાદી  સાંજ છે.

કેવળ ગહેકે  મોર તો   જલસો. નથી  થતો;
મલ્હાર તું સુણાવ, આ  વરસાદી  સાંજ છે.

છે  કલ્પનાની. વાત   કે   વરસાદ   ભીંજવે;
તું આવ ને ભીંજાવ, આ વરસાદી સાંજ છે.

– ભગવતીકુમાર શર્મા

સ્વર : પરિતી શાસ્ત્રી,કેયુર વાઘેલા
સ્વરાંકન : સુનીલ રેવર
સિતાર : ભગીરથ ભટ્ટ
વાયોલીન : મહેન્દ્ર પટેલ
તબલા : સતીશ રેવર

આંખોમાં છલકતો કૈફ હશે

Comments Off on આંખોમાં છલકતો કૈફ હશે

 

 

આંખોમાં છલકતો કૈફ હશે, હાથોમાં ભરેલા જામ હશે;
બોલાવ્યા અમે ના બોલીશું, પણ હોઠે તમારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

મેં લાખ ગુનાઓ કીધાં છે, પણ સાવ નિખાલસ હૈયાથી;
હો નર્ક જ મારું ધામ ભલે, પણ સ્વર્ગમાં મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

હું તુજને કરી દઉં માફ ભલે, પણ લોક નહીં છોડે તુજને;
જે માર્ગમાં માર્યો તેં મુજને, એ માર્ગ પર મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

હો દિલમાં ભલે સો દર્દ ‘અમર’, હમદર્દી ખપે ના દુનિયાની;
મનગમતો દિલાસો મળશે તો, આરામ હશે આરામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે….

– અમર પાલનપુરી

સ્વર: પ્રહર વોરા
આલ્બમ : નાદબ્રહ્મ

આમ રોજે ઘેરાય, નહીં વરસે

Comments Off on આમ રોજે ઘેરાય, નહીં વરસે

આમ રોજે ઘેરાય, નહીં વરસે,
વરસાદ મારા વાલમજી જેવો…
મને તરસાવી પોતે પણ તરસે,
વરસાદ મારા વાલમજી જેવો…

કોરા રહે ને વળી જાતે હિજરાય,
એવા બંને સ્વભાવથી છે સરખા,
મન મૂકી વરસે નહીં બે માંથી કોઈ,
મને લથબથ ભીંજ્યાના અભરખા,
એમ સમજાવ્યું સાનમાન સમજે…
વરસાદ મારા વાલમજી જેવો…

મનના માનેલ અને આષાઢી છેલ,
હું તો કેમ કરી સમજાવું તમને,
ઓઢણીનું આછેરું ઈંજન ન ઓળખો તો,
લાજ્યું ન આવે કાંઈ અમને!?
સાવ આઘે આઘેથી મને અડકે
વરસાદ મારા વાલમજી જેવો…

~ તુષાર શુક્લ

સ્વર : આરતી મુનશી
સ્વરાંકન : હરિશ્ચંદ્ર જોશી
સંગીત : સુરેશ જોશી

“કલા સાધકોને વંદન” – સ્વરાંજલિ… તુષાર શુક્લ

Comments Off on “કલા સાધકોને વંદન” – સ્વરાંજલિ… તુષાર શુક્લ

 

 

“કલા સાધકોને વંદન” – સ્વરાંજલિ… તુષાર શુક્લ

સ્વરશબદમાં ઊતાર્યા હૈયાના ભાવમ્પંદન
સ્વરશબ્દના દિવંગત સહુ કલા સાધકોને વંદન

તમે સૂરમાં જે છેડ્યા એ ગીત ગઝલ રહેશે
તમે શબ્દમાં જે ઝીલ્યા સંવેદનો એ રહેશે
સર્જનની એ સુગંધે હેકે છે મનનું ઉપવન
સ્વરશબ્દના દિવંગત સહુ કલા સાધકોને વંદન

રહેશો સદાય સાથે સર્જન અને સ્મરણમાં
બોલાવ્યા છે હરિએ,શાતા મળે શરણમાં
પીડાના દાહ હરવા સ્મરણો બન્યાં છે ચંદન
સ્વરશબ્દના દિવંગત સહુ કલા સાધકોને વંદન

-તુષાર શુક્લ

સ્વરઃ નિશીથ મહેતા
સ્વરાંકન : નિશીથ મહેતા
પિયાનો : કંદર્પ કાવિશકર

હરિનો કાગળ આવ્યો આજ

Comments Off on હરિનો કાગળ આવ્યો આજ

 

 

હરિનો કાગળ આવ્યો આજ !
જાણે મારા હાથને ઝાલ્યો, એવી આવે લાજ !
હરિનો કાગળ આવ્યો આજ !

હરિ લખે એ વાંચી જાવા આંખો ક્યાંથી લાવું ?
હું તો સાવ અભણ કોની પાસે જઈ વંચાવું ?
કાગળને પણ કંઠ હોત તો થોડો હોત અવાજ !
હરિનો કાગળ આવ્યો આજ !

અક્ષર સાથે છેટું એ શું નથી જાણતા હરિ ?
કાગળ પણ લખિયો તો લખિયો પાનેપાનાં ભરી !
મને ભરી જો હોત હેતથી, કેવા કરતી સાજ !
હરિનો કાગળ આવ્યો આજ !

કાગળનો છે અર્થ, હરિ પણ સ્મરણ કરે છે મારું,
હુંય હરિને ગમું અહો એ લાગે કેવું સારું !
હરિ તમે જાતે આવીને હેલ ઉતારો રાજ !
હરિનો કાગળ આવ્યો આજ !

-મુકેશ જોશી

સ્વર:હેમા દેસાઈ
સ્વરાંકન :આશિત દેસાઈ

Older Entries

@Amit Trivedi