એકલો જાને રે

Comments Off on એકલો જાને રે

એકલો જાને રે ::

તારી જો હાક સુણી કોઈ ના આવે
તો તુ એકલો જાને રે

એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે, તો તુ

તારી જો હાક સુણી કોઈ ના આવે
તો તુ એકલો જાને રે

જો સૌનાં મોં સીવાય
ઓરે ઓરે ઓ અભાગી સૌનાં મોં સીવાય

જ્યારે સૌએ બેસે મોં ફેરવી
સૌએ ડરી જાય
ત્યારે હૈયું ખોલી ઓ તું મન મૂકી
તારા મનનું ગાણું એકલો ગાને રે

તારી જો હાક સુણી કોઈ ના આવે
તો તુ એકલો જાને રે

જો સૌએ પાછાં જાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય
જ્યારે રણવગડે નીસરવા ટાણે
સૌ ખૂણે સંતાય
ત્યારે કાંટા રાને
ઓ તું લોહી નીંગળતે ચરણે
ભાઈ એકલો ધાને રે

તારી જો હાક સુણી કોઈ ના આવે
તો તુ એકલો જાને રે

જો દીવો ન ધરે કોઈ
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઈ

જ્યારે ઘનઘોરી તુફાની રાતે
બાર વાસે તને જોઈ
ત્યારે આભની વીજે,ઓ તું સળગી જઈ
સૌનો દીવો એકલો થાને રે

તારી જો હાક સુણી કોઈ ના આવે
તો તુ એકલો જાને રે

એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે,

મૂળ કૃતિ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની જન્મ દિવસ 7 મે
ગુજરાતી અવતાર : મહાદેવભાઈ દેસાઈ

સ્વર: કોરસ

તારું શહેર તો

Comments Off on તારું શહેર તો

 

 

તારું   શહેર તો   સૂર્યનો   ભીનો  ઉજાગરો,
મારું  શહેર   તો   પાણીમાં   ડૂબેલ  કાંકરો.

તારું શહેર  તો સાંજના  પૂરો  થતો  દિવસ,
મારા   શહેરમાં  રાત  દિ’ ખુલ્લાં મળે  ઘરો.

તારા શહેરના   લોક  તો  ભૂખ્યા  નહીં  રહે,
મારા  શહેરના  માણસો વાવે   છે  બાજરો.

તારા  શહેરમાં  સિગ્નલો  જોવા   મળે  બધે,
મારા શહેરમાં જ્યાં ગમે ત્યાં આવજા  કરો.

તારા   શહેરમાં  જિંદગી   મૃત્યુ પછી  હશે,
મારા   શહેરમાં  જિંદગી જીવ્યા પછી મરો.

-કૈલાસ પંડિત

સ્વરઃ આશિત દેસાઈ
સ્વરાંકનઃ આશિત દેસાઈ


પૂછતી નહીં કેટલો પાગલ…

Comments Off on પૂછતી નહીં કેટલો પાગલ…

 

 

પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…
આભમાં જોને કેટલાં વાદળ…
એટલો પાગલ…

ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલને
તારું નામ દીધું છે.
ભમરા તને ગુંજયા કરે: ગુંજવાનું મેં કામ દીધું છે.

જળને તારું નામ દઈ ઢંઢોળી દેતો.
ખોવાઈ ગયેલા નામને મારા ખોળી લેતો.
નદી તારા નામની વહે: એ જ નદીનું જળ પીધું છે.

આપણા પ્રેમની, સુખની દુ:ખની વાત કરું છું
શબ્દો આગળ.
પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…

પ્હાડની ઉપર સૂરજ ઊગ્યો: રાતના ઊગ્યા તારા.
દિવસ અને રાત તો તારા નામના છે વણજારા.

ધરતીમાંથી નામનાં તારા તરણાં ફૂટે.
ઝરણાં તારા નામને ઝીણા લયમાં ઘૂંટે.

સાગર, ખડક, પવન, સડક, ઝૂંપડી, મકાન…
સૌને તારું નામ કીધું છે.

નામ તો તારું ગીતને માટે
સાવ કુંવારો કોરો કાગળ…

પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…

-સુરેશ દલાલ

સ્વર : રૂપકુમાર રાઠોડ

@Amit Trivedi