જિંદગીનો આ ટુંકસાર

Comments Off on જિંદગીનો આ ટુંકસાર

 


 

જિંદગીનો   આ    ટુંકસાર  છે
ન   કિનારો   ન    મઝધાર  છે

જેઓ   બીજાનો   આધાર  છે
તેઓ   પોતે      નિરાધાર   છે

કોઇ  જીવે   છે   ભૂતકાળમાં
કોઇ પળ   ભાવીનો ભાર  છે

આજ કંઇ પણ નવું ના બન્યું
એ    જ  મોટા  સમાચાર  છે

-ડો મુકુલ ચોક્સી

સ્વર : નૂતન સુરતી , મેહુલ સુરતી
સ્વરાંકન : મેહુલ સુરતી

ચાલ સાથે બેસી કાગળ વાંચીએ

Comments Off on ચાલ સાથે બેસી કાગળ વાંચીએ

 


 

ચાલ   સાથે બેસી    કાગળ   વાંચીએ
વીત્યાં   વર્ષોની,    પળેપળ   વાંચીએ

છે   જુનો  કાગળને,   ઝાંખા   અક્ષરો
કાળજીથી   ખોલીને,   સળ   વાંચીએ

પત્ર  સૌ  પીળા  પડ્યા,  તો   શું  થયું
તાજે  તાજું  છાંટી,  ઝાકળ   વાંચીએ

કેમ તું  રહી  રહીને,  અટકી  જાય  છે
મન  કરી  કઠ્ઠણને,  આગળ  વાંચીએ

માત્ર  આ  પત્રો,  સીલકમાં રહી ગયા
કંઈ નથી આગળ,તો પાછળ વાંચીએ

– ભગવતીકુમાર શર્મા

સ્વર: મનહર ઉધાસ
સ્વરાંકન : મનહર ઉધાસ

આજ ખરું અવતરવાનું ટાણું

Comments Off on આજ ખરું અવતરવાનું ટાણું

 

 

આજ ખરું અવતરવાનું ટાણું,
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું
કંસની સામે તમે કૃષ્ણ થયા
અને રાવણની સામે રામ
પણ આજે તો કંસનો પાર નથી જગમાં
ને રાવણ તો સો માં નવ્વાણું

હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું

કૈક ને માર્યા તમે કૈક ને તાર્યા
ને ધર્યા તમે વિધવિધ અવતાર
પણ આજે જ્યારે ભીડ પડી ત્યારે
અવતરતા લાગે કેમ વાર?
શ્રધ્ધાનો દીવો તારો મંડ્યો બુઝાવા
હવે કોણ તાણે તારું ઉપરાણું?

હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું

આ ચંદ્રમાં તો હવે હાથવેંતમાં
અને સૂરજની ઘડિયું ગણાય
આકાશ વિંધીને અવકાશે આદમ
દોડ્યો આવે ને દોડ્યો જાય
બધું એ જીતાય, પણ એક તું ના જીતાય
તો ગીતાનો ગાનારો સાચો માનું

હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું

– અવિનાશ વ્યાસ

સ્વર: આશિત દેસાઇ
સંગીત: ગૌરાંગ દેસાઇ

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે;

Comments Off on ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે;

 

 

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે;
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.

મને ઉંબરે એકલો છોડી દઈને
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચઢી છે.

અનુભવ છે દરિયાના તોફાનનો, પણ
આ રેતીમાં હોડી ખરાબે ચઢી છે.

લખ્યું’તું કદી નામ મારું તમે જ્યાં
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.

ઝરી જાય જળ કે મળે જળસમાધિ,
જુઓ, પાંપણો કૂવાકાંઠે ચઢી છે !

ઘણાં રૂપ લઈ લઈને જન્મે છે સીતા;
હવે લાગણી પણ ચિતાએ ચઢી છે.

જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.

-ભગવતીકુમાર શર્મા

સ્વર :નિશા ઉપાધ્યાય કાપડીઆ
સ્વરાંકન: પુરૂષોત્તમ ઉપાધ્યાય

નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો

Comments Off on નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો

 

 

નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો
‘તે જ હું’, ‘તે જ હું’, શબ્દ બોલે;
શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ,
અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે.

શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી,
અનંત ઓચ્છવમાં પંથ ભૂલી;
જડ અને ચેતન રસ કરી જાણવો
પકડી પ્રેમે સંજીવન-મૂળી.

ઝળહળ જ્યોત ઉદ્યોગ રવિ કોટમાં,
હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરે,
સોનાના પારણા માંહી ઝૂલે.

બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી,
અચળ ઝળકે સદા અનળ દીવો;
નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો,
વણ જિહ્વાએ રસ સરસ પીવો.

અકળ અવિનાશી એ, નવ જાયે કળ્યો,
અરધ-ઊરધની માંહે મહાલે;
નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો,
પ્રેમના તંતમાં સંત ઝાલે.

-નરસિંહ મહેતા

સ્વરઃ આશિત દેસાઈ
સ્વરાંકનઃ આશિત દેસાઈ

Cortesy : Megha Hitesh kumar OZA, Mumbai

@Amit Trivedi