આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ

Comments Off on આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ

 

 

આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ!
રંગને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ

આવતા ને જાતા આ વરણાગી વાયરાએ મચાવ્યાં છે ઝાઝાં તોફાન
ભૂલીને ભાન ભ વર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન
આંબલિયે બજવે છે કોકિલ બાંસૂરિયા અંતરને ઊંડે ઉછાળ
રંગને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ…

લૂમઝૂમની મંજરીની હરિયાળી મ્હેક મારી મબલખ જગાવે છે ઝંખના
નજરૂને હેરી ને જોયું જરીક….કેવાં ઊંડે પતંગિયા અજંપનાં!
થઈને ગુલાલ આજ રંગે ધરાની ધૂળ વાયરાના રેશમી રૂમાલ
રંગને સુગંધના સરવરિયે સંગ સંગ
સાંવરિયા રમવાને ચાલ…

-સુરેશ દલાલ

સ્વર: માલિની પંડિત- આરતી દવે
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

નામ એનો નાશ

Comments Off on નામ એનો નાશ

 

 

નામ એનો  નાશ, આ  એવો   આભાસ  છે
પ્રેમીઓના દિલમાં હજુ  લૈલાનો  વાસ   છે

ચંદ્રને ચકડોળે  ચઢાવો તો  યે  તેનો  તેજ છે
ચાંદનીના  પ્રતાપે તો  ચાંદમાં  આ  તેજ  છે

શહીદની દુનિયામાં પ્રેમનો   પણ વિભાગ છે
જણાવું નામ કેટલા ? એ મોટો ઇતિહાસ છે

પ્રેમીઓ. પણ  આજે   મંદિરમાં  પૂજાય છે
રાધા અને કૃષ્ણ   પણ  મુખમાં  મલકાય  છે

– બાલુભાઇ પટેલ

સ્વર : આશિત દેસાઇ,પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

ઓધાજી મારા વા’લાને વઢીને

Comments Off on ઓધાજી મારા વા’લાને વઢીને

 

 

હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
હે મનાવી લેજો રે..
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
માને તો મનાવી લેજો રે..
મથુરાના રાજા થ્યા છો,
ગોવાળોને ભૂલી ગ્યા છો,
માનીતી ને ભૂલી ગ્યા છો રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

એકવાર ગોકૂળ આવો,
માતાજી ને મ્હોંઢે થાવો,
ગાયો ને હંભારી જાઓ રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

વા’લાની મરજીમાં રહેશું,
જે કહેશે તે લાવી દેશું,
કુબજા ને પટરાણી કેશું રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

તમે છો ભક્તોના તારણ,
એવી અમને હૈયા ધારણ,
ગુણ ગાયે ભગો ચારણ,
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

– ભગા ચારણ

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

@Amit Trivedi