ઉંબરે ઉભી સાંભળું રે ..

Comments Off on ઉંબરે ઉભી સાંભળું રે ..

 

 

ઉંબરે ઉભી સાંભળું રે બોલ વ્હાલમના
ઘરમાં સુતી સાંભળું રે બોલ વ્હાલમના

ગામને પાદર ઘૂઘરા વાગે
ઊંઘમાંથી મારા સપનાં જાગે
સપનાં રે લોલ વ્હાલમના…

કાલ તો હવે વડલા ડાળે ઝૂલશું રે લોલ
કાલ તો હવે મોરલા સાથે કુદશું રે લોલ
ઝૂલતાં ઝોકો લાગશે મને
કૂદતાં કાંટો વાગશે મને
વાગશે રે બોલ વહાલમના
ઘરમાં સુતી સાંભળું રે બોલ વ્હાલમના…

આજની જુદાઈ ગોફણ ઘાલી વીંઝશું રે લોલ
વાડને વેલે વાલોળ પાપડી વીણશું રે લોલ
વીંઝતાં પવન અડશે મને
વીણતાં ગવન નડશે મને
નડશે રે બોલ વ્હાલમના
ઉંબરે ઊભી સાંભળું રે બોલ
ઘરમાં સુતી સાંભળું રે બોલ વ્હાલમના ..

– મણિલાલ દેસાઈ

બરફનો પહાડ થઈ…

Comments Off on બરફનો પહાડ થઈ…

 


 

બરફનો  પહાડ  થઈ  મારા પર  વહી  જાજે
હું ક્યાં  કહું  છું  કે મારામાં  ઓગળી  જાજે

જો મૌન થઈને તું મારા હ્રદયમાં રહી  ન શકે
તો આવ  હોઠ સુધી શબ્દ થઈ  ઊડી  જાજે

હું  શ્વાસ  શ્વાસનું સામીપ્ય  ઝંખતોય  નથી
હું   ગૂંગળાઉં   નહીં   એ  રીતે  વહી  જાજે

તૂટું   તૂટું   થઈ   રહી  છે  સંબંધની  ભેખડ
જવું જ હોય તો હમણાં જ નીકળી  જાજે

જવું  જ  હોય તો રોકી શકે છે  કોણ  તને?
હું તો અહીં જ હઈશ, આવ તો મળી જાજે

-જવાહર બક્ષી

સ્વર: કૌમુદી મુનશી

દાડમડીનાં ફૂલ રાતાં

Comments Off on દાડમડીનાં ફૂલ રાતાં

 


 

દાડમડીનાં ફૂલ રાતાં ઝૂલણ લ્યો વણઝારી
ફૂલ રાતાં ને ફળ એનાં લીલાં ઝૂલણ લ્યો વણઝારી

હું તો વાણીડાને હાટે હાલી
ચૂંદડી મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી…

હું તો સોનીડાને હાટે હાલી
ઝૂમણાં મૂલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી…

હું તો મણિયારાને હાટે હાલી
ચુડલા મૂલવવા હાલી
ઊભા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી…

– લોકગીત

સ્વરઃ વિભા દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા

ઋતુ રૂડી રૂડી મારા વ્હાલા

Comments Off on ઋતુ રૂડી રૂડી મારા વ્હાલા

 

 

ઋતુ રૂડી રૂડી મારા વ્હાલા
રૂડો માસ વસંત
રૂડાં વન માહે કેશુ ફૂલ્યાં
રૂડે રાધાજીનો કંથ

અતી રૂડાં રે બાંબ વજાડે
તારૂણી વજાડે તાલ
ચતુરાં મળી ને ચંગ વજાડે
તે મોરલી વજાડે મદનગોપાલ

અતી રૂડું વૃંદાવન પ્રસર્યું
રૂડું જમુનાજીનું તીર
અતી રૂડી ગોવાળ મંડળી
રૂડો રૂડો હળધર વીર

રૂડાં કુમકુમ કેસર ઘોળ્યાં
રૂડાં તે મુખ તંબોળ
અતિ રૂડો નરસૈંય નો સ્વામી
નિત નિત ઝાકઝમોળ

-નરસિંહ મહેતા

સ્વરઃ પૌરવી દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા

રિમઝિમ બરસે બાદલ બરસે

Comments Off on રિમઝિમ બરસે બાદલ બરસે

 

 

રિમઝિમ બરસે બાદલ બરસે
મ્હારું મન ગુંજે ઝંકાર…
સાવનની સખી સાંજ સુહાગી
કરતાં મોર પુકાર

ગગનગોખથી મદભર નેણાં
વીજ કરે ચમકાર..
અંજન આંજુ પહેરું પટોળાં
સોળ સજું શણગાર

મોરે પિયા પરદેશ બસે
આ સાવન આવણહાર
હું મંદિરના દીપ સજાવું
ગૂંથું ફૂલની માળ
કઈ દીશથી મ્હારો કંથ પધારે
કઈ દીઓ અણસાર.…

-સુન્દરમ

સ્વરઃ વિભા દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા

Older Entries

@Amit Trivedi