કાયાની કટોરી મારી અમૃત ભરેલી

Comments Off on કાયાની કટોરી મારી અમૃત ભરેલી

 

 

કાયાની કટોરી મારી અમૃત ભરેલી રામ અમૃત ભરેલી.
કિયે રે ડુંગરથી એની માટિયું ખોદિયું
ને કિયે રે પાણીએ પલાળી રામ
અમૃત ભરેલી

કિયે રે પગથી એનાં કાદવ કચરાણાં ને
કિયે રે ચાકડે ઉતારી રામ ?
અમૃત ભરેલી

કિયે રે હાથે એનાં ઘાટ ઘડાયાં ને
કિયે ૨ ટીપણે ટીપાણી રામ?
અમૃત ભરેલી

કિયે રે વાયુએ એની આગ્યું રે ફૂકિયું ને
કિયે રે નિંભાડે ઈ ઓરાણી રામ
અમૃત ભરેલી

કિયે રે સમદરથી લીધાં અમરતના બિંદુડાને
કઈ રે ઝારીએ સીંચાણી રામ
અમૃત ભરેલી

-બાદરાયણ

સ્વરઃ રાસબિહારી દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટીઆ

બસ એટલી સમજ મને પરવરદિગાર દે

Comments Off on બસ એટલી સમજ મને પરવરદિગાર દે

 


 

 

બસ    એટલી  સમજ  મને  પરવરદિગાર  દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાનાં વિચાર દે.

માની  લીધું   કે   પ્રેમની   કોઈ   દવા   નથી,
જીવનના   દર્દીની   તો   કોઈ    સારવાર  દે.

ચાહ્યું  બીજું   બધું   તે   ખુદાએ   મને   દીધું,
એશું   કે   તારા   માટે   ફક્ત   ઇન્તિજાર  દે.

પીઠામાં  મારું  માન   સતત   હાજરીથી   છે,
મસ્જિદમાં  રોજ  જાઉં  તો કોણ આવકાર દે.

આ નાના નાના દર્દ  તો  થાતા  નથી  સહન,
દે   એક    મહાન   દર્દ   અને    પારાવાર   દે.

સૌ   પથ્થરોનો   બોજ   ઉંચકી   લીધો   અમે
અમને   નમાવવા  હો   તો   ફૂલોનો  ભાર  દે.

દુનિયામાં  હું  કંઈક નો  કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું  લેણ  જો  અલ્લાહ  ઉધાર   દે.

-‘ મરીઝ’

સ્વરઃ શ્યામલ સૌમિલ મુનશી
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા

આજ મ્હેં તો મધરાતે સાંભળ્યો મોર

Comments Off on આજ મ્હેં તો મધરાતે સાંભળ્યો મોર

 

 

આજ મ્હેં તો મધરાતે સાંભળ્યો મોર
મધરાતે સાંભળ્યો મોર.. આજ મ્હેં તો

વાદળાય નહોતા ને ચાંદો ય નહોતો
ઝાકળનો ઝામ્યો તો દોર
ઝાકળને માનીને વાદળનો વીંઝણો
છેતરાયો નટવો નઠોર.. આજ મ્હેં તો…

આકાશી ઘૂંઘટ ઉઘાડી કોઈ તારલી
જોતી’તી રજનીનું જોર
વડલાની ડાળે બેઠેલ એણે ઓળખ્યો
રંગોનો રઢિયાળો ચોર… . આજ મ્હેં તો…

ઉષાની પાંપણ જ્યાં અધમીચી ઊઘડી
કાજળ કરમાણી કોર
રંગ કેરાં ફૂમતડાં ફંગોળી મોરલે
સંકેલી લીધો કલશોર.. આજ મ્હેં તો…

-ઈન્દુલાલ ગાંધી

સ્વરઃ રાસબિહારી દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા

હવે એકલું અટુલું ના રહેવાય રે નાહોલિયા

Comments Off on હવે એકલું અટુલું ના રહેવાય રે નાહોલિયા

 

 

હવે એકલું અટુલું ના રહેવાય રે નાહોલિયા
જોને વાયરા વસંતના વાય
હો… નાહોલિયા
હવે એકલું ..

માંગ્યાં ઝાંઝર, માંગ્યાં ચૂડી ને કડલાં
સોના રૂપાએ મોહી લીધાં રે અબોલડાં
આજ ભૂલ મારી એ સમજાય ઓ નાહોલિયા
હવે એકલું

હે વ્હાલીડા વિજોગ તારો વસમો રે લાગે
રાત મારી જલતી કેસૂડાની આગે
આજ મુજથી રિસાઈ તું ન જા ઓ નાહોલિયા
હવે એકલું …

વ્હેલેરો આવ, હવે કશું હું ન માંગુ
તારી વાટડી જોતી હું રાત ‘દિ જાગુ.
વાગે ઢોલવ્ય ને દલડું અકળાય રે નાહોલિયા
હવે એકલું …

મને ખંભે ઉંચકી તું લઈ જા રે નાહોલિયા
જોજે જોબનિયું એળે ન જાય રે નાહોલિયા
હવે એકલું…..

– રવિન્દ્ર ઠાકોર

સ્વર : વિભા દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા

તે પૂછયો તો પ્રેમનો મર્મ

Comments Off on તે પૂછયો તો પ્રેમનો મર્મ

 

 

તે પૂછયો તો પ્રેમનો મર્મ
અને હું દઈ બેઠા આલિંગન
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો
સરિતાએ તોડ્યા તટનાં બંધન

એક અગોચર ઇજન દીઠું નયન ભૂમિને પ્રાંગણ
હું સઘળી મોસમમાં માણું એક અહર્નિશ ફાગણ
શતદલ ખીલ્યા કામ્ય કમલ પર
સૌમ્ય ગીતનું ગુંજન..

નીલવર્ણનું અંબર એમાં સોનલવર્ણી ટીપકી
વીધી શ્યામલ ઘટા પલકને અંતર વીજળી ઝબકી
નયન ઉપર બે હોઠ આંકતાં
અજબ નેહનું અંજન……

-હરિન્દ્ર દવે

સ્વર : આનંદકુમાર સી.
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

Older Entries Newer Entries

@Amit Trivedi