આપણે ભરોસે આપણે…

Comments Off on આપણે ભરોસે આપણે…

 

 

આપણે ભરોસે આપણે ચાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે ચાલીએ.
એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે ચાલીએ.

ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો
ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈ ગાઈને કહે,
‘તારે ભરોસે, રામ !’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ, – હો ભેરુ …

બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ, – હો ભેરુ…

કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર?
એનો કરવૈયો કો આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ, – હો ભેરુ ….

– પ્રહલાદ પારેખ

સ્વર : પરેશ ભટ્ટ
સ્વરાંકન : પરેશ ભટ્ટ

અખંડ ઝાલર વાગે

Comments Off on અખંડ ઝાલર વાગે

 


 

અખંડ ઝાલર વાગે ઘટ મેં
અખંડ ઝાલર વાગે

નિદ્રાધીન જીવ જાગે ઘટ મેં
અખંડ ઝાલર વાગે.

એક બળે છે એવો દીવો
અંધારાનો એ મરજીવો
અખંડ સાગર તાગે ઘટ મેં
અખંડ ઝાલર વાગે.

પંડિતનો અહીં કશોય ખપ ના
અખંડ ચાલે તારી રટણા.
કાંઈ કશું નવ માગે ઘટ મેં
અખંડ ઝાલર વાગે.

-સુરેશ દલાલ

( ઉગારામની પંક્તિ પરથી )

સ્વરઃ પાર્થિવ ગોહિલ
સ્વરાંકન : ચંદુભાઈ મટાણી

@Amit Trivedi