દીકરીની વિદાય…

Comments Off on દીકરીની વિદાય…

 

 

આટઆટલાં વરસો જેણે રાખ્યું ઘર  હુંફાળું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું

દીકરી જાતા એમ લાગતું
ગયો ગોખથી દીવો
નૈં સંધાય હવે આ ફળિયું
ગમે   એટલું  સીવો

જેની પગલી પડતાં સઘળે થઈ જાતું રજવાડું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું  એ અજવાળું

રંગોળીમાં પડશે નહીં રે
પહેલા જેવી ભાત
દૂર દૂર રે ચાલી જાશે
ઘરની આ  મિરાત

આંસુથી ભીંજાશે  સૌની  આંખોનું  પરવાળું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું

– અનિલ ચાવડા

સ્વર : નયન પંચોલી
સ્વરાંકન : નયન પંચોલી

હજાર હાથવાળા

Comments Off on હજાર હાથવાળા

 

 

હજાર હાથવાળા… હજાર હાથવાળા…

હજાર હાથવાળા…
મંદિર ઊઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા…

મંદિર ઊઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા…

કોઈનાં ભંડાર ભરેલા કોઈનાં ઠામ ઠાલાં
હજાર હાથવાળા…
મંદિર ઊઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા…

તરણાં ઓથે ડુંગર જેવો દેવ તારો પડછાયો
આ દાનવમય થાતી દુનિયામાં ક્યાંય ના વર્તાયો

ઠેર ઠેર વેરઝેર થાતાં કામ કાળાં
મંદિર ઊઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા…

સતની ચાલે સાથે એને દુઃખના ડુંગર માથે
જૂઠને મારગ જાનારાને ધનનો ઢગલો હાથે

સાંઈ તો ન પામે પાઈ દંભીને દુશાળા
મંદિર ઊઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા…

નાનું સરખું મંદિર તારું થઈ બેઠું દુકાન
પુકારે પંડિત પૂજારી કોઈ લઈ લ્યો રે ભગવાન

નિર્ધનને ધન દેજે ભગવંત મોટી પૂંજીવાળા
મંદિર ઊઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા…

હજાર હાથવાળા…
મંદિર ઊઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા…

-અવિનાશ વ્યાસ

સ્વરઃ અનિકેત ખાંડેકર
સ્વરાંકન : અવિનાશ વ્યાસ

કોઈના અણસારે તમે દૂર જઈ બેઠાં

Comments Off on કોઈના અણસારે તમે દૂર જઈ બેઠાં

 

 

કોઈના અણસારે તમે દૂર જઈ બેઠાં
હવે પાસે આવો તો મારી આણ છે :
તમને તો ઠીક, જાણે છબછબિયાં વહેણમાં,
પણ ઊંડા વમળાય તે આ પ્રાણ છે.

કોઈના હલેસાંથી વ્હેણ ના કપાય,નહીં
માપ્યાં મપાય વેણ પ્યારનાં :
દરિયાને નાથવાની લાયમાં ને લાયમાં,
કાંઠા તણાઈ ગયા ક્યારના
સઢના લીરા થી હવે બાંધી છે નાવ,એની
વાયરાને થોડી તો જાણ છે !

લીલીછમ વાડીમાં ગોફણનાં ઘાવ હવે
ઠાલા, હોંકારા હવે ઠાલા,
પંખી તો ટાઢકથી ચૂગે છે, આમ તેમ
ઊડે છે ચાડીયા નમાલા :
વેલાને તાણો તો સમજીને તાણજો, કે
આસપાસ થડનીયે તાણ છે !

– જગદીશ જોષી

સ્વર : કૃષાનું મજમુદાર
સ્વરાંકન : નયનેશ જાની

સૌજન્ય : ગિરીશભાઈ UK

@Amit Trivedi