ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે

Comments Off on ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે

 

 

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ…
તમને ફૂલ દીધાનું યાદ…
અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ

અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવાં ભરી કેટલીવાર પીધાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

અડખેપડખેનાં ખેતરમાં ચાસ પાડતાં હળ મારી આંખોમાં ફરતાં
એકલદોકલ કોઈ ઉછળતું સસલું દોડી જતાં ઝાંખરાં પરથી પર્ણો ખરતાં

તરે પવન ના લયમાં સમળી તેના છાયા છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતા
તમને ફૂલ દીધાનું યાદ…
ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઊડી એકસામટું પાંખ વીંઝતું હવા જેવડું થાય

ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલરંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

– રમેશ પારેખ

સ્વર : પરેશ ભટ્ટ
સ્વરાંકન :પરેશ ભટ્ટ

મારી આંખમાંથી ખરતો 

Comments Off on મારી આંખમાંથી ખરતો 

 

 

મારી આંખમાંથી ખરતો આ શ્રાવણ ભાદરવો
તમે સાચવી શકો તો લ્યો સાચવો
તમે પારખી શકો તો લ્યો પારખો

ઈ રે પાણીના રે પરપોટે પરપોટે ઊગ્યાં છે
પીડાના વન કાંઈ એટલાં
છાતી સમાણાં અમે પરપોટે ડૂબ્યા પછી
ડૂક્યા’તા મન કંઈ એકલાં

અરે મારા રે નામમાંથી પડતો આ ભીનો પડછાયો
તમે તારવી શકો તો લ્યો તારવો
તમે સાચવી શકો તો લ્યો સાચવો

લીલેરા જીવની રે બાંધીને કોઠ લાલ હો
હાલ્યા રે વણઝારા રણમાં
બળતા બપોરે ઓલ્યા લૂ ના મુકામ
ગામ દેખાશે રેતીના કણ માં

યાતનાની સૂકી આ ડાળ કોઈ વળગી છે ઝાડવાને એવી
એને કાપી શકો તો લ્યો કાપજો
એને સાચવી શકો તો લ્યો સાચવો

-દેવેન શાહ

સ્વરઃ પરેશ ભટ્ટ
સ્વરાંકન : પરેશ ભટ્ટ

ખાસ નોંધ : ભાઈશ્રી વિભુ જોશીએ (સુરત) કવિ વિશે માહિતી આપી. તેમણે એ પણ કહ્યું કે આ ગીત આકાશવાણીની કેન્ટીનમાં બેસી ફક્ત 10 મિનિટમાં લખ્યું. પરેશભાઈએ કહ્યું હતું કે મને સ્વરાંકન કરવું અઘરું પડે એવું લખી આપો.મજાની વાત એ થઈ કે પરેશભાઈએ સ્વરાંકન પણ ત્યારે જ કરી નાંખ્યું હતું

શબ્દો સૌજન્ય:જયેશ સુરેશલાલ શાહ સુરત
અમિત ન. ત્રિવેદી ( Siemens ) વડોદરા

મારી છાતીમાં ઊગેલો કુંવારો છોડ

Comments Off on મારી છાતીમાં ઊગેલો કુંવારો છોડ

 

 

મારી છાતીમાં ઊગેલો કુંવારો છોડ
હવે ગોફણના પથ્થરને માંગે.

આંખોમાં રેલાતા ગુલમ્હોરી આભને
કેમ કરી કાજળના દોરે હું બાંધુ ?
પાતલડી કેડમાં રેલાતા દરિયાને
કેમ કરી ગૂંથેલા કમખે હું બાંધુ ?
રે મૂઈ, હું તો લાજુ ને દર્પણને તોડું;
ઓ…હો…ત્યાં તે લોહીમાં સૂતેલાં સપનાં જાગે.

અમથું આ પીંછાને ગાલે ઘસું ત્યાં તો
બાંહોમાં પંખીને ફેલાતાં ભાળું’;
હાથીની સૂંઢમાં જંગલને જોઉં ને
સૂરજને ભીંસી અંધારાં પલાણું;
રે મૂઈ, હું તો લાજુ ને પરદાને ઢાળું;
ઓ…હો…ત્યાં તો પરદામાં ગૂંથેલા મારે બધા જાગે.

– મૂકેશ માલવણકર

સ્વર : પરેશ ભટ્ટ
સ્વરાંકન :પરેશ ભટ્ટ

મારું જીવન તે મારી વાણી;

Comments Off on મારું જીવન તે મારી વાણી;

 

 

મારું જીવન તે મારી વાણી;
બીજું તે તો ઝાકળપાણી.

મારા શબ્દો ભલે નાશ પામો,
કાળઉદર માંહી વિરામો,
મારાં કૃત્ય બોલી રહે તોય
જગે કેવળ સત્યનો જય.

મારો એ જ ટકો આચાર,
જેમાં સત્યનો જયજયકાર.

સત્ય ટકો, છો જાય આ દાસ;
સત્ય એ જ હો છેલ્લો શ્વાસ.
એને રાખવાનું કોણ બાંધી ?
એને મળી રહેશે એના ગાંધી.

જન્મી પામવો મુક્ત સ્વ-દેશ.
મારું જીવન એ જ સંદેશ.

– ઉમાશંકર જોશી

સ્વર : પરેશ ભટ્ટ
સ્વરાંકન :પરેશ ભટ્ટ

માત ભવાની દુર્ગે

Comments Off on માત ભવાની દુર્ગે

 

 

માત ભવાની દુર્ગે ! સબ-દુઃખ-તારિણી !
નામ સુમિર મન જય ભવાની ! જય ભવાની !

કરુણામયી કરુણાકર ભવભયહારિણી !
જગતશક્તિરૂપા જય ભવાની ! જય ભવાની !
જ્યોતિર્મયી જગદમ્બે ! હે જગજનની !
કર પ્રકાશ મન જય ભવાની ! જય ભવાની !

મહિષાસુરમર્દિની, ત્રિશૂલધારિણી !
જગજીવસુખદાની જય ભવાની ! જય ભવાની !

કાલિકાજય લક્ષ્મિકાજય સરસ્વતીદેવી !
જય ભવાનીદેવી ! જય ભવાનીદેવી! જય ભવાની !

– પરેશ ભટ્ટ

સ્વર : પરેશ ભટ્ટ
સ્વરાંકન :પરેશ ભટ્ટ

Older Entries Newer Entries

@Amit Trivedi