વાંસના વનમાં થઇ વાતો પવન

Comments Off on વાંસના વનમાં થઇ વાતો પવન

 

 

વાંસના વનમાં થઇ વાતો પવન,
કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન.

તું મને સ્પર્શી ગઈ એવી રીતે,
ભ્રમ થયો એવો અરે ! આ તો પવન.

શ્વાસ તો તૂટી રહ્યાં છે ક્યારનાં,
ગ્રીષ્મ સાંજે ઠોકરો ખાતો પવન.

કોઇનાં છૂટી ગયાં છે પ્રાણ શું,
કેમ આ કંઇ વેળથી વાતો પવન.

– ભગવતીકુમાર શર્મા

સ્વર : પરેશ ભટ્ટ
સ્વરાંકન : પરેશ ભટ્ટ

આ હળ્યામળ્યાના હરખશોખને માંડી વાળો

Comments Off on આ હળ્યામળ્યાના હરખશોખને માંડી વાળો

 

 

આ હળ્યામળ્યાના હરખશોખને માંડી વાળો
કોઈ નહીં ને તમે
હવે તો ઊમટયા થૈને સાવ અજાણ્યા લેક…
લોકને માંડી વાળો…

આ એકમેકથી રહેવું અળગા
અંતરની આ આરસપૂતળાં જેવી થઈ અબળખા
મંદિરમાં આ અંધારાંથી સળગે મારો ગોખ
ગોખને માંડી વાળો…

“કહે, કેમ છો ?’ “સારું છે ?’ : મોસમની સુક્કી વાત
વાત વગરની વાતો આ તો વલખે ઝંઝારાત
સાથે ચાલ્યા સાથે મહાલ્યા વાતો સઘળી ફોક
કોકને માંડી વાળે…

– જગદીશ જોશી

સ્વર : પરેશ ભટ્ટ
સ્વરાંકન : પરેશ ભટ્ટ

એકલદોકલ વરસાદે કેવી ભીંજાતી હું

Comments Off on એકલદોકલ વરસાદે કેવી ભીંજાતી હું

 

 

એકલદોકલ વરસાદે કેવી ભીંજાતી હું !
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ…

સાંજ પડે ને વહાલમ આવી
પૂછે: કેમ છો રાણી ?
છે મઝા ! એવું બોલીને
છલકે આંખે પાણી !
આંસુના દીવાને એ પછી
ફૂંક મારી ફૂ…

વ્હાલમ, વ્હાલમ, વ્હાલમ, વહાલમ કયારે,
દરિયો દિલનો ઢોળે ?
ક્યારે વહાલમ મૂકી માથું
સૂવે મારે ખોળે ?
મેં કહ્યું કે રોકાઈ જા, પણ
એ કહે: “ ઊં હું…’

– મૂકેશ માલવણકર

સ્વર : પરેશ ભટ્ટ
સ્વરાંકન : પરેશ ભટ્ટ

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા

Comments Off on હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા

 

 

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા
લેશન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠા

મમ્મી પાસે દોરી માંગી પપ્પાની લઈ લુંગી
પરદો બાંધી અમે બનાવી ફિલમ એની મૂંગી

દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ
એમાંથી ચાંદરડાં પાડવાં પરદા ઉપર પાંચ

ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું
હું’ ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ

કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક

ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી

દોડમ્ દોડા, ઉપર આવી પહોંચ્યાં મમ્મીપપ્પા
ચંદુડિયાનો કાન આમળ્યો મને લગાવ્યા ધપ્પા

– રમેશ પારેખ

સ્વર : પરેશ ભટ્ટ
સ્વરાંકન : પરેશ ભટ્ટ

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક

Comments Off on હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક

 

 

હજો  હાથ   કરતાલ   ને   ચિત્ત   ચાનક,
તળેટી    સમીપે    હજો   કયાંક   થાનક…

લઈ     નાવ   થારો   સમયરો   હલાહલ,
ધર્યો  હોઠ  ત્યાં   તો   અમિયલ   પાનક.

સુખડ  જેમ  શબ્દો    ઊતરતા   રહે  છે,
તિલક  કોઈ  આવીને   કરશે   અચાનક.

અમે   જાળવ્યું   છે   ઝીણેરા   જતનથી
મળ્યું   તેવું    સોપીશું    કોરું    કથાનક

છે  ચણ જેનું  એનાં જ  પંખી  ચૂગે  આ,
રખી   હથ્થ    હેઠ   નિહાળે  છે  નાનક.

નયનથી   નીતરતી  મહાભાવ    મધુરા,
બહો    ધૌત  ધારા,  બહો  ગૌડ  ગાનક,

શબો રોઝ એની   મહકનો   મુસલસલ,
અજબ હાલ હોતે અનલહક હો આનક.

– રાજેન્દ્ર શુકલ

સ્વર : પરેશ ભટ્ટ
સ્વરાંકન : પરેશ ભટ્ટ

Newer Entries

@Amit Trivedi