કોઇનાં ભીનાં પગલાં થાશે

Comments Off on કોઇનાં ભીનાં પગલાં થાશે

 

 

કોઇનાં   ભીનાં  પગલાં  થાશે   એવો  એક   વર્તારો   છે,
સ્મિત  ને   આંસુ  બન્નેમાંથી  જોઇએ   કોનો  વારો   છે?

મારા લગતી કોઇએ  બાબત  એમાં તો  મેં   જોઇ   નહીં,
જીવું    છું  પણ  લાગે  છે   કે   બીજાનો   જન્મારો   છે.

એજ વખત બસ હોય છે એનું પૂરતું ધ્યાન   અમારા  પર,
એટલે   અમને  એના   કરતાં   એનો   ગુસ્સો   પ્યારો  છે.

મારી     સામે   કેમ   જુએ    છે  મિત્રો  શંકાશીલ   બની,
જ્યારથી હસવા લાગ્યો છું બસ ત્યારથી આ  મુંઝારો  છે.

કોઇ તો એવી રાત હો જ્યારે  મરજી મુજબ  જાગી  લઉં,
કોઇ  તો એવો  દિવસ  હો   કે   લાગે   દિવસ   સારો  છે.

“સૈફ” જીવનનો સાથ તો છે બસ પ્રસંગ પૂરતો શિષ્ટાચાર,
વાત   અલગ   છે   મૃત્યુની   હંમેશનો   એ  સથવારો  છે.

– સૈફ પાલનપુરી
 
સ્વરઃ નયનેશ જાની
સ્વરાંકન : નયનેશ જાની

એક રજકણ સૂરજ થવાને શમણે

Comments Off on એક રજકણ સૂરજ થવાને શમણે

 

 

એક રજકણ સૂરજ થવાને શમણે
ઉગમણે જઈ ઊડે
પલકમાં ઢળી પડે આથમણે

જળને તપ્ત નજરથી શોષી
ચહી રહે ઘન રચવા
ઝંખે કોઈ દિન બિંબ બનીને
સાગરને મન વસવા
વમળ મહીં ચકરાઈ રહે
એ કોઈ અકળ મૂંઝવણે
એક રજકણ…

જ્યોત કને જઈ જાચી દીપ્તિ
જ્વાળા કને જઈ લ્હાય
ગતિ જાચી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચ્હાય
ચકિત થઈ સૌ ઝાંખે એને
ટળવળતી નિજ ચરણે
એક રજકણ…

-હરિન્દ્ર દવે

સ્વરઃ આલાપ દેસાઈ
સ્વરાંકન : દિલીપ ધોળકિયા

સૌજન્ય : ભારતીય વિદ્યાભવન કલા કેન્દ્ર

સુરતાની વાડીના મીઠા મોરલા !

Comments Off on સુરતાની વાડીના મીઠા મોરલા !

 

 

“કલાપીને સંબોધન ”
 

સુરતાની વાડીના મીઠા મોરલા !
ઉછળતા શા ઉરસાગર ઉલ્લાસ જો !
નિર્ઝરતી સૌભાગ્ય સુહાગન જ્યોત્સનિકા:
નયને ઝળકે નમણું નિર્મલ હાસ જો !
સુરતાની વાડીના મીઠા મોરલા !

આંજે ને અંજવાળે આંખલડી સખી :
અન્તર ઉપર ઉઘડે આલમનૂર જો !
હેત હૈયાના વહતી વાજે વાંસળી !
ઉડે સ્વર આકાશે અંતર દૂર જો !
સુરતાની વાડીના મોંઘા મોરલા !

નદનવનના પ્રાસાદોની ટોચથી,
મધુરી કેકા આજે શી ઉભરાય જો !
સુરભીઓની સાથે સંસારે સરી,
અન્ત:કારે ગીતા શી અથડાય જો !
સુરતાની વાડીના મોંઘા મોરલા !

तत् सवितार्नु भर्ग वरेण्यं धीमहि !
ગાયત્રીનો જૂનો ભેદક મંત્ર જો !
આજે અન્ય પ્રકારે આ માથું નમે,
નમતો સાથે આત્માનો એ તંત્ર જો !
સુરતાની વાડીના મોંઘા મોરલા !

-કાન્ત

સ્વર : રેખા ત્રિવેદી

@Amit Trivedi