કાગળના કોડિયાનો લીધો અવતાર – સુરેશ વાડકર

Comments Off on કાગળના કોડિયાનો લીધો અવતાર – સુરેશ વાડકર

 

 

કાગળના કોડિયાનો લીધો અવતાર, પછી દાઝ્યાથી દૂર કેમ રહીએ?,
ખોળિયાએ પહેર્યું જ્યાં પંખેરી નામ, પછી ટહૂકાથી દૂર કેમ રહીએ?

ઉકલેલા ઊન જેવું જીવતર ખૂલેને એનો છેડો ભીંજાય સુકી રાખમા,
પાણી લઈ સૂરજને ધોવાનું ભોળું વરદાન મળે બળતા વૈશાખમાં,
બળવું જો કાજળની હોડી થઈ જાય, ત્યારે દરિયાથી દૂર કેમ રહીએ.
કાગળના કોડિયાનો….

શ્વાસોની સળીયુંને ભેગી મેલીને કોઈ બાંધે છે હૈયામાં માળો,
ઝાડવાને ફૂટે જેમ લીલેરું ઘેન, એમ યાતનાને રંગ ફૂટે કાળો,
ઘરને રે મોભ ચડી બોલે કાળાશ, ત્યારે મરવાથી દૂર કેમ રહીયે.
કાગળના કોડિયાનો….

-રવિન્દ્ર પારેખ

સ્વર : સુરેશ વાડકર
સ્વરાંકન : આશિત દેસાઈ

સૌજન્ય : પ્રતિક મહેતા

વહાલપના તાંતણાથી બાંધુ

Comments Off on વહાલપના તાંતણાથી બાંધુ

 

 

વહાલપના તાંતણાથી બાંધુ
રે વીરલાને વહાલપના તાંતણાથી બાંધુ
ઈટ્ટા કીટ્ટાને શું રાખું?
રે વીરલાને વહાલપના તાંતણાંથી બાંધું

કુમકુમ તિલકથી વધાવું રે ભાલ પર
ટપકું એક કાળું લગાડું રે ગાલ પર
પાંચે પકવાન આજ રાંધુ
રે વીરલાને વહાલપના તાંતણાંથી બાંધુ

આશિષ દીર્ધાયુના માગું મંદિર દોડી
સુખમય જીવન તારું યાચું રે હાથ જોડી
દીવડામાં પ્રાર્થનાને સાધુ
રે વીરલાને વહાલપના તાંતણાથી બાંધું

-યામિની વ્યાસ

સ્વર: ડૉ.ફાલ્ગુની શશાંક
સ્વરાંકન : ડૉ.ફાલ્ગુની શશાંક
સંગીત:દીપેશ દેસાઈ

આભને ઘડૂલે દીપે દીવડો

Comments Off on આભને ઘડૂલે દીપે દીવડો

 

 

આભને ઘડૂલે દીપે દીવડો
માડી તારાં તેજને અંબાર જો
લાખલાખ તારલા ઝબુકતા માડી તારાં રૂપને શણગાર જો
આભને ઘડૂલે દીપે દીવડો

વાયા રે વાવલિયા માડી વ્હાલથી
વાયા વનવન મોઝાર જો, વાયા વનવન મોઝાર જો
આવ્યા રે અમરાપરના દેશથી
આવ્યા ધરણીને પાર જો
આભને ઘડૂલે દીપે દીવડો

નાનાં રે ઘડૂલા નાનાં દીવડા
નાનાં રે ઘડૂલા નાનાં દીવડા
ઝૂલતા ડૂલતા મઝધાર જો
તારાં રે રખવાળાં માડી દોહ્યલા
લાવો કાળને કિનાર જો
આભને ઘડૂલે દીપે દીવડો

-રમેશ જાની

સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

હું પણ તને ગમું છું

Comments Off on હું પણ તને ગમું છું

 

 

હું પણ તને ગમું છું, તું પણ મને ગમે છે,
શમણું બની ચૂમું તને તો બેઉને ગમે છે.

ફૂલો રડી કહે તમે કાં મહેકતા નથી?
ચંપા ચમેલી ચાંદ સંગ હવે ટહેલતા નથી;

ઝાકળની આરઝુ વિષે તડકાઓ બેફીકર,
દિવાનો છું તમારો ગુલશન છે બેખબર.

વર્ષો પછી મળી મને આ મારી વાર્તા,
પાને પાને લખી દીધું અમે તને ચાહતા;

પાગલ થઈ છું એટલી હવે તારા પ્યારમાં,
ઈશ્વર બની વસે છે તું મારા શ્વાસમાં.

-કમલેશ સોનાવાલા

સ્વર : રેખા ત્રિવેદી અને વિનોદ રાઠોડ

@Amit Trivedi